Political history of Pakistan: ઇતિહાસમાં આજનો દિવસ: 1977માં પાકિસ્તાનમાં લશ્કરી બળવો, પીએમ ભુટ્ટો હટાવાયા, બે વર્ષમાં ફાંસી
Political history of Pakistan: આજના દિવસે, 5 જુલાઈ 1977ના રોજ, પાકિસ્તાનમાં લોકશાહી પર લશ્કરી બૂટની ગાજ પડેલી. આ દિવસે તત્કાલીન સેના પ્રમુખ જનરલ મુહમ્મદ ઝિયા-ઉલ-હકે પ્રધાનમંત્રી ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની સરકારી તખ્તો ઉથલાવ્યો હતો. આ બળવાને કોડનામ આપવામાં આવ્યું હતું – ઓપરેશન ફેર પ્લે.
ભુટ્ટોને માત્ર સત્તાથી દૂર નહીં કરવામાં આવ્યા, પરંતુ થોડા વર્ષો બાદ – 1979માં – પીએમ રહી ચૂકેલા ભુટ્ટોને હત્યાના કેસમાં દોષી ઠેરવી ફાંસી આપવામાં આવી. આ ઘટના માત્ર રાજકીય પરિબળો નહીં, પરંતુ ધર્મ, સેનાનો હસ્તક્ષેપ અને વિદેશી રાજનીતિની સંભાવિત ભૂમિકાને લઈને આજે પણ ચર્ચાસ્પદ છે.
બળવા પાછળ રાજકીય સંઘર્ષ અને આરોપો
1977માં સામાન્ય ચૂંટણીઓમાં પીએમ ભુટ્ટોની પાર્ટી પાકિસ્તાન પિપલ્સ પાર્ટી (PPP)ને સ્પષ્ટ બહુમતી મળી હતી. પરંતુ વિરોધ પક્ષોએ – ખાસ કરીને પાકિસ્તાન નેશનલ એલાયન્સ (PNA) – ચૂંટણીમાં ગોટાળાના આરોપો લગાવ્યા. કહેવાય છે કે પોલીસ અને સરકારી તંત્ર દ્વારા મતદાનમાં ખોટા હસ્તક્ષેપ થયા હતા.
આના પગલે દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા અને હિંસક બની ગયા. માહિતી અનુસાર, વિરોધ દરમિયાન લગભગ 200 લોકોનાં મરણ થયા. આખરે, દેશની સ્થિતીને કારણે સેના તરફથી માર્શલ લૉ લાગુ કરવામાં આવ્યો.
ઝિયા-ઉલ-હક બન્યા શાસક, ચૂંટણીનું વચન ભૂલાઈ ગયું
જનરલ ઝિયા-ઉલ-હકે જણાવ્યું હતું કે તેઓ 90 દિવસમાં ફરીથી ચૂંટણી કરાવશે. પરંતુ આગળના 11 વર્ષ સુધી તેઓ સત્તામાં જ રહ્યા અને ચૂંટણી ક્યારેય યોજી નહીં.
સુપ્રીમ કોર્ટે પણ આ બળવો માન્ય ઠેરવ્યો. ઓક્ટોબર 1977માં, ભુટ્ટો વિરુદ્ધ પૂર્વ સાંસદ નવાબ મોહમ્મદ ખાન કસૂરીની હત્યાના કાવતરાનો આરોપ લગાવ્યો ગયો. 1979માં ભુટ્ટોને દોષી ઠેરવી ફાંસી આપવામાં આવી, જેને આજે પણ અનેક લોકો રાજકીય બદલો માને છે.
પાકિસ્તાનમાં લશ્કરી બળવો કોઈ નવો નથી
પાકિસ્તાનના ઇતિહાસમાં લશ્કરી તખ્તાપલટનું ટોળું છે:
1958 – જનરલ અયૂબ ખાને પહેલા બળવો કર્યો
1977 – જનરલ ઝિયા-ઉલ-હક દ્વારા ભુટ્ટાની સરકાર હટાવી
1999 – જનરલ પરવેઝ મુશર્રફે નવાઝ શરીફની સરકાર હટાવી
આ ઘટના દર્શાવે છે કે પાકિસ્તાનમાં લોકશાહી વારંવાર સેનાના હસ્તક્ષેપ હેઠળ આવી છે, અને દેશની રાજકીય સ્થિરતા સતત સવાલો હેઠળ રહી છે.