Chinaની કાર્યવાહીથી ફિલિપાઇન્સ ગુસ્સે ભરાયું, મનીલામાં ચીનના રાજદૂતને બોલાવાયા
China: દક્ષિણ ચીન સમુદ્રને લઇને ચાલતી તંગદિલીના વચ્ચે ચીન અને ફિલિપાઇન્સ વચ્ચેનું તણાવ વધુ ઊંડું બન્યું છે. ચીને ફિલિપાઇન્સના ભૂતપૂર્વ સાંસદ ફ્રાન્સિસ ટોલેન્ટિનો પર ચીન તેમજ તેના વિશિષ્ટ પ્રદેશો હોંગકોંગ અને મકાઉમાં પ્રવેશ પર અનિશ્ચિત પ્રતિબંધ લગાવ્યો છે. પરિણામે, મનીલામાં ફિલિપાઇન્સના વિદેશ મંત્રાલયે ચીનના રાજદૂત હુઆંગ ઝિલિયનને બોલાવી પોતાનો કડક વિરોધ નોંધાવ્યો હતો.
China: ફ્રાન્સિસ ટોલેન્ટિનો દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની કાર્યવાહી અને દખલખોરી સામે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. તેઓએ ચીન પર ફિલિપાઇન્સની મધ્યસત્ર ચૂંટણીઓમાં દખલ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો અને અગાઉ સંસદમાં ચીની જાસૂસી મામલે તપાસની માંગ કરી હતી.
ચીનના વિદેશ મંત્રાલયે ટોલેન્ટિનોના નિવેદનોને “દુર્ભાવનાપૂર્ણ” ગણાવી જણાવ્યું હતું કે આવા વલણોથી ચીનના હિતોને નુકસાન થયો છે અને દ્વિપક્ષીય સંબંધો પર પણ અસર થઈ છે. ચીનના જણાવ્યા મુજબ, તે પોતાની રાષ્ટ્રીય સાર્વભૌમતા અને સુરક્ષા હિતોની રક્ષા માટે સજાગ છે.
ફિલિપાઇન્સના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અહીં પ્રશ્ન ચીનના કાનૂની અધિકારનો નથી, પરંતુ સત્તાવાર, લોકશાહી રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિરુદ્ધ પ્રતિબંધો લાદવો બંને દેશો વચ્ચેના પરસ્પર આદર અને સંવાદના મૂલ્યો સાથે અનુકૂલ નથી.”
ટોલેન્ટિનોનો સેનેટ કાર્યકાળ ગયા મહિને સમાપ્ત થયો હતો. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે બે મહત્વપૂર્ણ બિલ, ‘ફિલિપાઇન્સ મેરીટાઇમ ઝોન એક્ટ’ અને ‘આર્કિપેલેજિક સી લેન્સ એક્ટ’ રજૂ કર્યા, જે દેશના દરિયાકાંઠાના અધિકારોને મજબૂત બનાવે છે. રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયર દ્વારા આ બિલો પર હસ્તાક્ષર કર્યા પછી ચીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
દક્ષિણ ચીન સમુદ્ર પર લાંબો સમયથી અનેક દેશો દાવો કરી રહ્યાં છે, જેમાં ચીન મોટાભાગના વિસ્તારોને પોતાનો ગણાવે છે, જ્યારે ફિલિપાઇન્સ સહિત અન્ય દેશો આ દાવાઓનો વિરોધ કરી રહ્યા છે.