ન્દ્ર સરકારે બુધવારે કેબિનેટની બેઠકમાં બે મોટા નિર્ણયો લીધા છે. સરકારે રેલવે કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે, તો બીજી તરફ ઈ-સિગરેટ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા મળેલી કેબિનેટ બેઠકમાં આ બે નિર્ણયોને મંજૂરીની મહોર લગાવવામાં આવી છે.
કેન્દ્ર સરકારે તહેવારો પહેલા રેલવે કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે. બુધવારે કેબિનેટ બેઠકમાં રેલવે કર્મચારીઓને 78 દિવસના પગાર જેટલું બોનસ આપવાની જાહેરાત કરી છે. 11 લાખથી વધારે કર્મચારીઓને તેનો ફાયદો મળશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, પ્રથમ વખત સતત છઠ્ઠા વર્ષે રેલવે કર્મચારીઓને બોનસ આપવામાં આવી રહ્યું છે.
ઈ-સિગરેટ પર પ્રતિબંધ
પત્રકાર પરિષદમાં સામેલ નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, સરકારે ઈ-સિગરેટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમણે જણાવ્યું કે, ઈ-સિગરેટના ઉપયોગ, ઉત્પાદન, વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, સ્કૂલના બાળકોમાં પણ તેનું ચલણ વ્યાપક પ્રમાણમાં જોવા મળ્યું હતું.
સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને જ્યારે પૂછવામાં આવ્યું કે, સરકાર ઈ-સિગરેટથી વધારે નુક્શાનકારણ સિગરેટ પર પ્રતિબંધ કેમ નથી મૂકી રહી? જેના જવાબમાં તેમણે જણાવ્યું કે, ઈ-સિગરેટની લત નવી જ છે. આથી સરકારે તેને શરૂઆતમાં ડામી દેવાનો નિર્ણય કર્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું કે, ઈ-હુક્કા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પ્રથમ વાર ગુનો કરનાર આરોપીને 1 વર્ષની સજા અથવા દંડ અને બન્ને થઈ શકે છે, પરંતુ જો વારંવાર ગુનો કરવામાં આવે અથવા બીજી વખત પકડાવવા પર 5 લાખ રૂપિયાનો દંડ અને 3 વર્ષની જેલની સજા અથવા બન્ને થઈ શકે છે.