દુનિયાને જમ્મુ-કાશ્મીર મુદ્દા પર ભારત વિરૂદ્ધ ગેરમાર્ગે દોરવાના પાકિસ્તાનના પ્રયત્નને વધુ એક વખત નિષ્ફળતા સાંપડી છે. ગુરૂવારે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં કાશ્મીર પર પ્રસ્તાવ રજૂ કરવાનો અંતિમ દિવસ હતો, પરંતુ પાકિસ્તાન આ માટે જરૂરી મત મેળવવામાં અસમર્થ રહ્યું. સુત્રો અનુસાર, પાકિસ્તાનના કાશ્મીર પ્રસ્તાવ પર મોટા ભાગના દેશોએ સાથ આપવાનો ઈન્કાર કરી દીધો છે.
UNHRCનું 42મું સત્ર જિનિવામાં
UNHRCમાં આ પ્રસ્તાવ પ્રસ્તુત કરવા માટે ઓછામાં ઓછી 16 દેશોનો સાથ જોઈતો હતો. પાકિસ્તાન અને ઈમરાન ખાન સમગ્ર વિશ્વ સમક્ષ ભલે કાશ્મીર મુદ્દે ખોટા તથ્યો રજૂ કરી રહ્યા હોય, પરંતુ વિશ્વ સમક્ષ પાકિસ્તાનનો ચહેરો ખુલ્લો પડી ગયો છે. આજ કારણે તેઓ પાકિસ્તાનને સાથ નથી આપી રહ્યા. આ સમયે જિનિવામાં UNHRCનું 42મું સત્ર ચાલી રહ્યું છે.
UNHRCમાં ભારતની સચિવનો પાકિસ્તાન પર પલટવાર
UNHRCમાં કાશ્મીર મુદ્દે ચર્ચા દરમિયાન ભારતની સચિવ કુમમ મિનિ દેવેએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં અમારો નિર્ણય ભારતનો આંતરિક મામલો છે. અમારા નિર્ણયને ખોટી રીતે રજૂ કરીને પાકિસ્તાન પોતાની દાનત છૂપવી નહી શકે. એકવખત PoK અને પાકિસ્તાનના વિસ્તારો સંદર્ભમાં વાત થવી જોઈએ. લોકોનું ગુમ થવું, અટકાયતમાં દુષ્કર્મની ઘટના, અત્યાચાર અને સામાજિક કાર્યકરો અને પત્રકારોની સ્વતંત્રતાનું ઉલ્લંઘન ત્યાં સામાન્ય વાત છે.