ફેસ્ટિવલ સિઝન શરૂ થતાંની સાથે દરેક જગ્યાએ નવી-નવી સ્કીમ્સ અને ડિસ્કાઉન્ટ ઓફર જોવા મળી રહી છે. તો તહેવારનો આ રંગ એર ઇન્ડિયાને પણ લાગ્યો છે. એર ઈન્ડિયાએ નવરાત્રી દરમિયાન વધુ મુસાફરોને આકર્ષવા માટે તેના મેન્યૂમાં નવરાત્રી સ્પેશિયલ ફૂડ્સ ઉમેર્યું છે. એર ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 29 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધીના નવ દિવસીય તહેવાર દરમિયાન મુસાફરોને વિશેષ નવરાત્રી મીલ પીરસવામાં આવશે.
એર ઇન્ડિયાએ નાણાકીય સંકટને દૂર કરવાના પ્રયાસમાં તેના ક્રૂને ઓછા ખર્ચે અને લો ફેટ આહાર આપવાનો પ્લાન બનાવ્યો છે, જેની પેટાએ પણ પ્રશંસા કરી હતી અને ક્રૂ સભ્યો તેમજ તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં મુસાફરોને શાકાહારી ભોજન પીરસવાની નીતિ રજૂ કરવાની વિનંતી કરી હતી.
મેન્યૂમાં નવરાત્રી સ્પેશિયલ ફૂડ્સના સમાવેશ અંગે એર ઇન્ડિયાએ જણાવ્યું કે, બટેટાવડા, ફ્રુટ કમ્પોટ, માખાના ડ્રાયફ્રુટ ખીર, ફ્રેન્ચ ફ્રાઈસ, સાદા દહીં અને આમલીની ચટણી તમામ લોકલ ફ્લાઇટમાં મુસાફરોને પીરસવામાં આવશે. એરલાઇને સંબંધિત અધિકારીઓને આ બધી વાનગીઓ તૈયાર કરવામાં સિંધાલૂણનો ઉપયોગ કરવાનું પણ કહ્યું છે. એર ઇન્ડિયાએ તેના અધિકારીઓને તમામ ફ્લાઇટ્સમાં નવરાત્રી મીલની સપ્લાય સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.