ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ અધિકારીઓને બહારનો રસ્તો બતાવવાના અભિયાનના ચોથા તબક્કામાં વધુ 15 ટેક્સ અધિકારીઓને નિવૃત્તિ લેવાની ફરજ પડી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC)ના મુળભૂત નિયમ 56(જે)ના અંતર્ગત ભ્રષ્ટાચાર અને બીજા આરોપવાળા 15 વરિષ્ઠ અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ પર મોક્લી દીધા છે. આ જાણકારી ઓફિશિયલ સૂત્રોએ આપી છે. આ વર્ષે જૂન પછી આ ચોથી વખત છે જ્યારે સરકારે ભ્રષ્ટ અને ગેરકાયદેસર પ્રવૃત્તિના આરોપવાળા ટેક્સ ઓફિસરોને નોકરીમાંથી બહાર કર્યા હોય. તે પહેલા ત્રણ તબક્કામાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC)ના 12 અધિકારીઓ સહિત કુલ 49 ટેક્સ અધિકારીઓને બહારનો રસ્તો બતાવ્યો હતો.
સૂત્રોએ જણાવ્યુ કે, ટેક્સ વિભાગનું આ પગલુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી આપેલા ભાષણને અનુરૂપ છે. વડાપ્રધાને 15 ઓગસ્ટે લાલ કિલ્લાથી પોતાના સંબોધનમાં જણાવ્યુ હતુ કે, ટેક્સ વિભાગમાં કેટલાક એવા લોકો હોઈ શકે છે જે પોતાના અધિકારોનો ખોટો ઉપયોગ કરી રહ્યા હોય અને ટેક્સપેયરોને ખોટી રીતે હેરાન કરતા હોય. વિભાગને કલંકિત કરનારા આ લોકો ઈમાનદાર ટેક્સપેયરોને પોતાનો ટાર્ગેટ બનાવે છે અને નાની ભૂલો પર વધારાની કાર્યવાહી કરે છે.