ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો પાસેથી રૂ.500 થી 5 હજાર સુધીનો દંડ વસુલ કરવાના નવા કાયદાનો અમલ ગુજરાતમાં 16 સપ્ટેમ્બર 2019 થી શરૂ કરી દેવાયો છે. જો કે આ 15 દિવસમાં જ ટ્રાફિક પોલીસને ઘણા બધા એવા અનુભવ થયા કે વાહનચાલક પાસે દંડના પૈસા ન હતા. પરંતુ મોટા ભાગના વાહન ચાલકો પાસે ડેબિટ કાર્ડ – ક્રેડિટ કાર્ડ હતા. જેથી વાહન ચાલકે સામેથી કાર્ડથી દંડની રકમ ભરવાની તૈયારી બતાવી હતી. આખરે ટ્રાફિક પોલીસે સમસ્યાના ઉકેલ તરીકે 500 સ્વાઇપ મશીન ખરીદવાની તૈયારી કરી લીધી છે.
જો કે ઘણા બધા વાહન ચાલકો આટલા બધા પૈસા સાથે રાખતા નહીં હોવાથી તેમને સ્થળ ઉપર દંડ ભરવામાં સમસ્યા સર્જાતી હતી. ટ્રાફિક શાખાના સંયુકત પોલીસ કમિશનર જે.આર.મોથલિયા તેમજ ડીસીપી તેજસ પટેલે ડેબિટ કાર્ડ – ક્રેડિટ કાર્ડથી દંડની રકમ વસૂલ કરવા માટે સ્વાઈપ મશીનોની ખરીદી કરવાની યોજના તૈયાર કરી હતી. રાજ્ય સરકાર મંજૂરી આપી દેશે તો દિવાળી સુધીમાં ટ્રાફિક પોલીસ સ્વાઈપ મશીનો ખરીદી લઈ તેને અમલ શરૂ કરી દેશે.