મોબ લિન્ચિંગની ઘટનાઓ સામે પીએમ મોદીને પત્ર લખનાર દેશની 49 સેલિબ્રિટી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા એક નવો જ વિવાદ સર્જાયો છે.
ગુરુવારે આ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.જેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તેવી હસ્તીઓમાં રામચંદ્ર ગુહા, મણિરત્નમ, અનુરાગ કશ્યપ, અપર્ણા સેનનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે અલગ અલગ ક્ષેત્રની હસ્તીઓએ મોબ લિન્ચિંગ પર ચિંતા વ્યક્ત કરીને પીએમ મોદીને જુલાઈ મહિનામાં એક પત્ર લખ્યો હતો.જેમાં તેમણે માંગ કરી હતી કે, મોબ લિન્ચિંગની ઘટનાઓને રોકવા માટે કડક કાયદો બનાવવામાં આવે અને આરોપીઓને આકરી સજા ફટકારવામાં આવે.
એ પછી યુપીના એક વકીલ સુધાર કુમાર ઓઝાએ આ પત્ર લખનાર સેલિબ્રિટિઝ સામે સ્થાનિક કોર્ટમાં એક પિટિશન કરી હતી. જેમાં તેમણે કહ્યુ હતુ કે, પત્ર લખનાર હસ્તીઓએ દેશની ઈમેજને ખરાબ કરવાનુ કામ કર્યુ છે. પીએમ મોદીના સારા કામને તેઓ ઓછુ આંકી રહ્યા છે.
એ પછી કોર્ટે આ હસ્તીઓ સામે ફરિયાદ નોંધવાનો પોલીસને આદેશ આપ્યો હતો. વકીલ ઓઝાનુ કહેવુ છે કે, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે 20 ઓગષ્ટે ઓર્ડર પાસ કર્યો છે. જેના આધારે પોલીસ મથકમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. જેમાં દેશદ્રોહ, સાર્વજનિક ઉપદ્રવ તેમજ ધાર્મિક ભાવનોઓને ઠેસ પહોંચાડવાના અને શાંતિનો ભંગ કરવાના આરોપ લગાવવામાં આવ્યા છે.