એર ઈન્ડિયાએ દિલ્હી એરપોર્ટ પર મુસાફરો માટે ‘નમસ્કાર સેવા’ શરૂ કરી છે. તેના હેઠળ એર ઈન્ડિયા મુસાફરોની ઈચ્છા પર એક સર્વિસ આપશે. તે વિમાનમાં બેસવા સુધી મુસાફરની મદદ કરશે. તેના માટે ડોમેસ્ટિક પેસેન્જરને 750 રૂપિયા અને વિદેશી પેસેન્જરે 1,500 રૂપિયા ચૂકવવા પડશે.
આ સર્વિસ પહેલાં ફર્સ્ટ કલાસના પેસેન્જર માટે ઉપલબ્ધ હતી. પણ હવે આ સર્વિસ બિઝનેસ અને ઈકોનોમી ક્લાસના પેસેન્જરને પણ મળશે.
આ સર્વિસ માટે એરલાઈન ત્રણ લોકોની ટીમ બનાવશે. આ ટીમ તે પેસેન્જરની મદદ કરશે, જેમને namaskarsewa.in લિંક પર જઈને સર્વિસ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હશે.
રજિસ્ટ્રેશન કરાવનાર પેસેન્જરને એરપોર્ટ એન્ટ્રી પર રિસિવ કરવામાં આવશે અને પ્લેનમાં બેસવા સુધી વચ્ચે આવતી તમામ ઔપચારિકતાઓ અને જરૂરિયાતો એરલાઈનના કર્મચારી હેન્ડલ કરશે.
આ સુવિધાનો સૌથી વધુ ફાયદો પહેલી વખત મુસાફરી કરનાર પેસેન્જરને થશે કેમ કે, કેટલીક વખત તેમને એરપોર્ટના નિયમોની જાણકારી નથી હોતી અને તેમને વગર કારણે હેરાન થવું પડે છે.
તે ઉપરાંત મોટી ઉંમરના પેસેન્જરોને પણ તેનો ઘણો ફાયદો થશે. કેમ કે, આ સુવિધાથી તેમને ફ્લાઈટ સુધી લઈ જવા માટે કેર ટેકર તરીકે કર્મચારી મળશે.