આર્થિક મંદીનો સામનો કરી રહેલા દેશની અર્થ વ્યવસ્થાને વેગ આપવા માટે સરકાર દ્વારા અનેક ઉપાયો કરવામાં આવી રહ્યા હોવા છત્તા તેની કોઈ અસર જોવા નથી મળી રહી. અનેક સરકારી કંપનીઓ દેવામાં ડૂબી ગઈ છે અને નુક્સાન કરી રહી છે, ત્યારે મોદી સરકારે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપની ભારત પેટ્રોલિયમમાં પોતાની ભાગીદારી વેચવાની તૈયારીમાં છે. સરકારી કંપનીમાં હિસ્સો ખરીદવા માટે મુકેશ અંબાણીની માલિકી ધરાવતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ બોલી લગાવી શકે છે.
જાપાની સ્ટૉક બ્રોકર નોમુરા રિસર્ચે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉપરાંત સરકારી વિભાગની અન્ય એક ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને પણ BPCLનો હિસ્સો ખરીદવામાં પોતાનો રસ દાખવ્યો છે. જણાવી દઈએ કે, તાજેતરમાં રોકાણ બાબતના કોર ગ્રુપે રણનીતિક રોકાણ અંતર્ગત BPCLમાં સરકારનો 53.29 ટકા વેચવાની ભલામણ કરી હતી.
નોમુરાએ જણાવ્યું કે, સચિવોની સમિતિ તરફથી કંપનીમાં સરકારની તમામ ભાગીદારી વેચવાની ભલામણ બાદ સરકારી કંપની BPCLના ખાનગીકરણની સંભાવના વધી ગઈ છે. આ મામલે કેબિનેટની મંજૂરીની માત્ર ઔપચારિક્તા બાકી છે.