મોદી સરકારે બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અનેક મોટા નિર્ણય કર્યા છે. કેન્દ્ર સરકારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં વિસ્થાપિત થઈને ભારતના અનેક રાજ્યોમાં આવીને વસેલા 5300 પરિવારોને દિવાળીની ભેટ આપી છે. હવે આ પરિવારોને કેન્દ્ર તરફથી સાડા પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. જેની માંગ લાંબા સમયથી ઉઠી રહી હતી.
આ 5300 પરિવારોનું નામ શરૂઆતમાં વિસ્થાપિતોની યાદીમાં સામેલ નહતું, પરંતુ હવે સરકારે નિર્ણય કર્યો છે કે, તેમનું નામ યાદીમાં સામેલ કરવામાં આવે અને તેમને આર્થિક સહાયતા આપવામાં આવે.
જણાવી દઈએ કે, આ 5300 પરિવારોમાં ત્રણ પ્રકારના પરિવારો સામેલ છે. જેમાં કેટલાક પરિવારો 1947ના ભાગલા સમયે આવ્યા હતા, કેટલાક કાશ્મીરના વિલય બાદ અને કેટલાક પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી ભારતમાં આવ્યા હતા. આ પરિવારો કાશ્મીરથી નીકળીને અલગ રાજ્યોમાં પણ વસ્યા હતા.
2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PoKથી આવેલ લોકો માટે 5.5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. જો કે તે સમયે 5300 પરિવારોને લાભ નહતો મળી શક્યો. જો કે હવે કેન્દ્રીય કેબિનેટ દ્વારા આવા પરિવારોને સહાયતા રકમ આપવાની મંજૂરી મળી ગઈ છે.