સામાન્ય રીતે લોકો બચત માટે સેવિંગ એકાઉન્ટ મારફતે બેંકોમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. સેવિંગ એકાઉન્ટ દ્વારા રોકાણ કરવા પર બેંકો તરફથી વ્યાજ પણ આપવામાં આવે છે. જો કે છેલ્લા કેટલાક મહિનાઓથી અલગ-અલગ બેંકોએ બચત ખાતા પર મળનારા વ્યાજમાં કાપ મૂક્યો છે.
તાજેતરમાં જ દેશની સૌથી મોટી બેંક SBIએ સેવિંગ એકાઉન્ટની જમા રકમ પર કાતર મૂકી છે. હવે પેટીએમ પેઈમેન્ટ બેંક (PPB)એ પણ પોતાના ગ્રાહકોને મોટો ફટકો આપ્યો છે. જેની અસર એવા ગ્રાહકો પર પડશે, જેમનું Paytm Payment Bankમાં એકાઉન્ટ છે.
હકીકતમાં PPBએ સેવિંગ એકાઉન્ટ પર વ્યાજ દરમાં અડધા ટકાનો કાપ મૂકીને 3.5 ટકા કર્યો છે. Paytm બેંક તરફથી રજૂ કરવામાં આવેલ નિવેદનમાં જણાવાયું છે કે, આ કાપ આગામી 1 નવેમ્બરથી લાગુ થશે. આ સાથે જ Paytm પેઈમેન્ટ બેંકે પણ પોતાના ગ્રાહકો માટે ફિક્સ ડિપોજીટની જાહેરાત કરી છે.
જેમાં ગ્રાહકોને પોતાની જમા રકમ પર PPBના ભાગીદાર બેંક દ્વારા 7.5 ટકા વ્યાજ મળશે. આ અંગે બેંકના મેનેજિંગ ડિરેક્ટર સતીશ કુમાર ગુપ્તાએ જણાવ્યું કે, રિઝર્વ બેંકોએ હાલમાં જ રેપો રેટમાં ઘટાડો કરીને 5.15 ટકા કર્યો છે. છેલ્લા 12 મહિનામાં કેન્દ્રીય બેંક રેપો રેટમાં 1.35 ટકાનો કાપ મૂક્યો છે. આજ કારણે આ પગલુ ભરવામાં આવ્યું છે.