અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણ પીઠ બુધવારે અંતિમ સુનાવણી હાથ ધરશે. મંગળવારે સુનાવણી પૂરી થયા બાદ સુપ્રીમ કોર્ટે રામલલાના વકીલ સીએસ વૈધનાથનને જણાવ્યું કે, બુધવારે તેઓ 45 મિનિટ સુધી ચર્ચા કરી શકશે. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને પૂછ્યું કે, શું મોલ્ડિંગ ઓફ રિલીફ પર પણ બુધવારે ચર્ચા થશે? કોર્ટે જણાવ્યું કે, બુધવારે 1 કલાક મુસ્લિમ પક્ષ પોતાનો જવાબ રજૂ કરશે. ચારે પક્ષકારોને 45-45 મિનિટ મળશે.
અયોધ્યા મામલે આજે સુનાવણી સમાપ્ત થવાની આશા છે. મોલ્ડિંગ ઓફ રિલીફ પર પણ આજે સુનાવણી થઈ શકે છે. મંગળવારે સુનાવણી દરમિયાન એક હિંદૂ પક્ષે દલીલ કરી હતી કે, ભારત વિજય બાદ મુઘલ શાસક બાબર દ્વારા અંદાજે 433 વર્ષ પહેલા અયોધ્યામાં ભગવાન રામના જન્મ સ્થાન પર મસ્જિદનું નિર્માણ કરીને ઐતિહાસિક ભૂલ કરવામાં આવી હતી, જેને હવે સુધારવાની આવશ્યક્તા છે.
પીઠ સમક્ષ એક હિન્દૂ પક્ષકાર તરફથી હાજર થયેલા પૂર્વ એટર્ની જનરલ અને વરિષ્ઠ વકીલ કે પરાસરણે જણાવ્યું કે, અયોધ્યામાં અનેક મસ્જિદો છે, જ્યાં મુસ્લિમો બંદગી કરી શકે છે, પરંતુ હિન્દૂ ભગવાન રામનું જન્મ સ્થાન નહી બદલી શકે.
સુન્ની વક્ફ બોર્ડ અને અન્ય દ્વારા 1961માં દાખલ કેસમાં પ્રતિવાદી મહંત સુરેશ દાસ તરફથી હાજર વરિષ્ઠ વકીલે જણાવ્યું કે, વિદેશી શાસક બાબર દ્વારા કરવામાં આવેલી ઐતિહાસિક ભૂલને સુધારવાની જરૂરત છે. બાબરે ભગવાન રામના જન્મ સ્થાન પર મસ્જિદનું નિર્માણ કરીને ઐતિહાસિક ભૂલ કરતા જણાવ્યું હતું કે, હું બાદશાહ છું અને મારો આદેશ કાનૂન છે.
તેમણે જણાવ્યું કે ,અયોધ્યામાં મુસ્લિમ કોઈ પણ મસ્જિદમાં ઈબાદત કરી શકે છે. એકલા અયોધ્યામાં 55-60 મસ્જિદો આવેલી છે, પરંતુ હિંદૂઓ માટે આ ભગવાન રામનું જન્મ સ્થાન છે, જેને આપણે બદલી નથી શકતા.