પગ અને હાથમાં પાટા હોવા છતાં રાજકોટમાં યોજાયેલી PGVCL ભરતી પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારની હિંમત સૌ માટે પ્રેરણા બની
રાજકોટ શહેરમાં પીજીવીસીએલ દ્વારા યોજાયેલી ભરતી પરીક્ષામાં એક ઈજાગ્રસ્ત ઉમેદવારે પોતાની અડગ હિંમતથી સૌનું ધ્યાન ખેંચ્યું. પગ અને હાથમાં પાટા બાંધેલા હોવા છતાં આ ઉમેદવાર વ્હીલચેરમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યો હતો. મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારને પોલીસ અને પરીક્ષા સ્ટાફે સહકાર આપ્યો, જેના કારણે પરીક્ષા વ્યવસ્થા માનવતાનો દાખલો બની.
15 કેન્દ્ર પર યોજાઈ પરીક્ષા
રાજકોટ શહેરમાં PGVCL દ્વારા વિદ્યુત સહાયક સહિત ચાર કેડરની પરીક્ષા યોજાઈ હતી. શહેરના અલગ-અલગ 15 પરીક્ષા કેન્દ્ર પર આ પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં 7 હજારથી વધુ ઉમેદવારો નોંધાયા હતા. પરીક્ષા સવારે 11 વાગ્યે શરૂ થઈ હતી. કુંડલિયા કોલેજ સહિતના કેન્દ્રોમાં ઉમેદવારોની ભારે ભીડ જોવા મળી હતી અને કેમ્પસમાં લાંબી કતારો લાગી હતી.
દૂર દૂરથી ઉમેદવારો રાજકોટ પહોંચ્યા
આ પરીક્ષા માટે અરવલ્લી, દાહોદ, વડોદરા સહિતના અનેક જિલ્લાઓમાંથી ઉમેદવારો રાજકોટ આવ્યા હતા. ઘણા સમયથી ઉમેદવારો આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા અને તેઓ ઈચ્છતા હતા કે પરીક્ષા કોઈ અવરોધ વિના શાંતિપૂર્ણ રીતે યોજાય.
પરીક્ષા પહેલાં ઉઠેલા આક્ષેપ
પરીક્ષા શરૂ થવાના એક દિવસ પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા ભરતી પ્રક્રિયા અંગે આક્ષેપો કરવામાં આવ્યા હતા. જામનગરમાં PGVCL ભરતી દરમિયાન ડમી ઉમેદવારો ઘુસ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. જોકે પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોએ જણાવ્યું કે આવા આક્ષેપો પરીક્ષા પહેલાં થવાથી માનસિક દબાણ વધે છે, તેથી પરીક્ષા નિષ્પક્ષ અને વિવાદરહિત રીતે યોજાવું જરૂરી છે.
ઈજાગ્રસ્ત ઉમેદવાર બન્યો પ્રેરણાસ્ત્રોત
પરીક્ષા દરમિયાન એક ઈજાગ્રસ્ત ઉમેદવાર વિશેષ ચર્ચામાં રહ્યો. ઉમેદવારને પગ અને હાથમાં પાટા બાંધેલા હતા અને તેની બેઠક વ્યવસ્થા પરીક્ષા કેન્દ્રના પ્રથમ માળે હતી. આવી સ્થિતિમાં પોલીસકર્મી અને પરીક્ષા સ્ટાફે વ્હીલચેર સાથે તેને સીડી ચઢાવવામાં મદદ કરી. મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ પરીક્ષા આપવા પહોંચેલા આ ઉમેદવારની હિંમતને સૌએ બિરદાવી.

