એચડીઆઈએલના પ્રમોટર્સ રાકેશ અને સારંગ વાધવાએ બુધવારે તપાસ અજેન્સીને પત્ર લખીને ટાંચ મારેલી તેમની મિલકતને બજાર ભાવે વેચીને તેમાંથી આવેલી રકમ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ (પીએમસી) બેન્કની લોન ભરપાઈ માટે વાપરવાની વિનંતી કરી છે.

પ્રમોટરોએ ઈડી, આર્થિક ગુના શાખા, નાણા મંત્રાલય, રિઝર્વ બેન્ક ઓપ ઈન્ડિયાના ગવર્નર અને ડેપ્યુટી ગવર્નરને આ સંબંધે પત્ર લખ્યા છે. પત્રમાં પ્રમોટરોએ કાળાનાણા ધોળા કર્યાનો આરોપ નકારીને જણાવ્યું હતું કે તેેમની વિનંતી રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

મિલકત વેચવાની વાત પત્રમાં કરવામાં આવી છે તેમાં ફેરેટ્ટી યોટ, ફાલ્કન 2000 એરક્રાફ્ટ, ઓડિ એજી, રોલ્સ રોય્સ ફેન્ટોમ, બેન્ટ્લી કોન્ટિનેન્ટલ અને અન્ય લક્ઝરી એસયુવી તથા ઈલેક્ટ્રિક કાર અને સ્પીડ બોટનો સમાવેશ થાય છે.

આ મિલકતોને ઈડીએ પહેલેથી જ ટાંચમાં લીધેલી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 14 ઓક્ટોબરે જણાવ્યું હતું કે ફ્રોડ જેટલી રકમની મિલકત ટાંચમાં લેવાઈ છે અને રોકાણકારોને તેમના હિતની રક્ષા કરવામાં આવશે એવી બાંયધરી આપી હતી.