મુંબઈમાં કાલબાદેવી ખાતે બોમાનજી માસ્ટર લેનમાં આવેલા પાંડયા મેંશનના માલિક વિરૂદ્ધ 73 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતા પાણીની ચોરી કરવાનો વિચિત્ર કેસ નોંધાયો છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂગર્ભ જળના સંરક્ષણ અને સંવર્ધન માટે અપીલ કરી હતી ત્યારે આ સંજોગોમાં કેસનું મહત્વ ખૂબ વધી ગયું છે.
અગાઉ મ્યુનિસિપલ કનેક્શનમાંથી પાણીની ચોરીને લગતા કેસ સામે આવ્યા હતા પરંતુ ગ્રાઉન્ડ વોટર ચોરીનો આ કદાચ પ્રથમ કેસ છે.
પોલીસે આરટીઆઈ એક્ટિવિસ્ટ સુરેશ કુમાર ધોકાએ રજૂ કરેલા પુરાવાઓના આધારે કેસ નોંધ્યો હતો અને સુરેશ કુમાર આ કેસના મુખ્ય ફરિયાદકર્તા છે. ફરિયાદમાં પાંડયા મેંશનના માલિક ત્રિપુરાપ્રસાદ નાનલાલ પાંડયા અને તેમની કંપનીના બે ડિરેક્ટર પ્રકાશ પાંડયા અને મનોજ પાંડયા પર પોતાની મિલકતમાં ગેરકાયદેસર રીતે બે કૂવા ખોદાવવાનો આરોપ છે.
પાંડયાએ બાદમાં તે સૃથળે પાણીના બે પંપ લગાવડાવ્યા હતા તથા ગેરકાયદેસર વીજ કનેક્શન વડે પાણી કાઢીને ટેન્કરના માલિક અને ઓપરેટર અરૂણ મિશ્રા, શ્રવણ મિશ્રા અને ધીરજ મિશ્રા સાથે મળીને તેનું વેચાણ કર્યું હતું.
ફરિયાદમાં આરોપીઓએ 2006થી 2017 સુધીમાં આશરે 73.19 કરોડ રૂપિયાનું ભૂગર્ભ જળ વેચ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદ પ્રમાણે આરોપીઓએ અત્યાર સુધીમાં આશરે 6.10 લાખ ટેન્કર ભરીને પાણી વેચી દીધું છે.
પ્રત્યેક ટેન્કરની ક્ષમતા 10 હજાર લિટર પાણીની હોય છે અને પ્રત્યેક ટેન્કરની સરેરાશ કિંમત 1,200 રૂપિયા જેટલી હોય છે. આ કેસ સામે આવ્યા બાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે બંને કૂવાને સૃથાયીરૂપે બંધ કરી દેવા આદેશ આપ્યો છે.