જો તમે તહેવારની સિઝનમાં લોન લેવાનું વિચારી રહ્યાં છો, તો તમારી પાસે એક સુવર્ણ તક છે. વાસ્તવમાં SBI અને PNB સહિત અનેક બેંકોએ આજથી ‘લોન મેળા’ના બીજા તબક્કાની શરુઆત કરી છે. જેના દ્વારા બેંકના કર્મચારીઓ જુદા-જુદા વિસ્તારોમાં કેમ્પ યોજી લોનનું વિતરણ કરશે.
એવું નથી કે, કેમ્પમાં ગ્રાહકોને ફક્ત લોન જ મળશે. આ સિવાય કેમ્પમાં અન્ય બેંક સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે. SBIએ ટ્વીટ દ્વારા જણાવ્યું કે, લોન મેળામાં ગ્રાહકોને કાર લોન, પર્સનલ લોન, કૃષિ લોન, ટુ-વ્હીલર લોન, MSME લોન અને હોમ લોન ઉપલબ્ધ કરવામાં આવશે.
આ બાબતે SBI તરફથી લોન મેળાને લઇ એક લિંક પણ શેર કરવામાં આવી છે. આ લિંકમાં લોન કેમ્પના 148 લોકેશનની યાદી આપવામાં આવી છે. જેને તમે https://bank.sbi/portal/web/customer-care/customer-meet-2019 ક્લિક કરી જોઇ શકો છો.
શું છે લોન મેળો ?
અગાઉ આર્થિક મંદી દૂર કરવા માટે કેન્દ્રની મોદી સરકારે લોન મેળો શરૂ કર્યો. તેનો હેતુ ઉદ્યોગપતિઓ, ખેડૂતો અને અન્ય જરૂરિયાતમંદ લોકોને લોન આપવાનો છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે, જે જિલ્લાઓમાં આ લોન મેળો યોજાશે, ત્યાંના સાંસદો પણ આ કાર્યક્રમને સફળ બનાવવા અભિયાનમાં ભાગ લેશે. આ લોન મેળો 25 ઓક્ટોબર સુધી ચાલશે.
કંઇ-કંઇ બેંકો જોડાશે?
બીજા તબક્કાના લોન મેળામાં એસબીઆઈ, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, યુકો બેંક, સિન્ડિકેટ બેંક, કેનરા બેંક, ઓરિએન્ટ બેંક કોમર્સ, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે. ઇન્ડિયન બેંક, પી.એન.બી બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઇન્ડિયા, આંધ્ર બેંક અને અલ્હાબાદ બેંક.
જણાવી દઇએ કે, આ પહેલા તબક્કાના “લોન મેળા”માં બેંકોએ 9 દિવસમાં ટોટલ 81,781 કરોડ રુપિયાની લોન આપી છે. જેમાં 34,342 કરોડ રુપિયાની નવી લોન સામેલ છે. બેંકો તરફથી આ યોજના 1 ઓક્ટોબરથી ચાલુ કરવામાં આવી છે.