પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની નવી ઇનિંગ્સ શરૂ થઇ ગઇ છે, તેમણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના આગામી અધ્યક્ષનું પદ સંભાળી લીધુ છે. બોર્ડના મુંબઇ સ્થિત હેડક્વાર્ટરમાં જનરલ બોડી મીટિંગ દરમિયાન ઓફિશિયલ રીતે ગાંગુલીની નિયુક્તીની જાહેરાત કરવામાં આવી હતી. ગાંગુલી નિર્વિરોધ પસંદ થયા હતા. તે જુલાઇ 2020 સુધી આ પદ પર બન્યા રહેશે.
47 વર્ષના સૌરવ ગાંગુલીએ BCCIની કમાન સંભાળતા જ 65 વર્ષનો રેકોર્ડ તોડી દીધો. સૌરવ ગાંગુલી 65 વર્ષ બાદ એવો પ્રથમ ટેસ્ટ ક્રિકેટર છે, જે બીસીસીઆઇના અધ્યક્ષ પદ પર છે. આ પહેલા ટેસ્ટ ક્રિકેટર તરીકે વિજ્જીના નામથી જાણીતા મહારાજા કુમાર વિજયનગરમ બીસીસીઆઇના અધ્યક્ષ બન્યા હતા, જે 1954થી 1956 સુધી આ પદ પર રહ્યાં હતા.
બીસીસીઆઇના પ્રેસિડેન્ટની વાત કરીએ તો ટેસ્ટ ક્રિકેટર સુનીલ ગાવસ્કર અને શિવલાલ યાદવ પણ આ પદ પર રહ્યાં પરંતુ 2014માં ગાવસ્કર અને શિવલાલ બન્ને વચગાળાના અધ્યક્ષ રહ્યાં હતા. એન.શ્રીનિવાસન બાદ તેમની નિયુક્તી થઇ હતી.