જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 નાબૂદ કર્યા બાદ પાકિસ્તાનની પરેશાની હજુ પણ યથાવત રહી છે. હવે પાકિસ્તાને ભારતના નવા નક્શા પર સવાલ ઉઠાવ્યા છે અને તેને માનવાનો ઈન્કાર કર્યો છે.
રવિવારે પાકિસ્તાન વિદેશ મંત્રાલય તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન ભારત તરફથી રજૂ કરવામાં આવેલ નવા નક્શાનો અસ્વીકાર કરે છે. જેમાં ભારતે જમ્મુ-કાશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાનની સાથે સ્વતંત્ર જમ્મુ-કાશ્મીરના ભાગો પર પોતાનો અધિકાર હોય તેમ રજૂ કર્યા છે .
જણાવી દઈએ કે, એક દિવસ પહેલા જ ભારતના ગૃહમંત્રાલયે એક નોટિફિકેશન દ્વારા દેશના નવા નક્શાને રજૂ કર્યો હતો. જેમાં જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વિભાજિત કર્યા બાદ નવી સરહદી રેખા દર્શાવવામાં આવી છે.
જણાવી દઈએ કે, ભારત સરકારે 5 ઓગસ્ટે એક ઐતિહાસિક નિર્ણય લેતા જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 નાબૂદ કરવા સાથે જ તેને બે ભાગમાં વિભાજિત કર્યું હતું. સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરીને તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજિત કર્યું હતું, જે હવે 31 ઓક્ટોબરથી અસ્તિત્વમાં આવ્યું છે.
આ સંદર્ભે પાકિસ્તાને પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે, 2 નવેમ્બરે ભારત તરફથી રજૂ કરવામાં આવેલો નવો નક્શો ખોટો, કાયદાકીય દ્રષ્ટિએ અસ્થિર અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવોનું સંપૂર્ણ ઉલ્લંઘન છે.