કમોસમી વરસાદ બાદ ગુજરાત સરકારે ચૂકવ્યા 8,516 કરોડ, લાખો ખેડૂતોને સીધી સહાય
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદીની પ્રગતિની સમીક્ષા કરી હતી. જે અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ખૂબ જ ટૂંકા ગાળામાં બે અલગ ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યા હતા.
પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ બંને રાહત પેકેજ હેઠળ ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધીમાં ૩૦ લાખથી વધુ ખેડૂતોના કુલ રૂ. ૮,૭૧૦ કરોડના ઓનલાઇન બીલો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી આજની સ્થિતિએ કુલ ૨૯.૩૦ લાખ ખેડૂતોને કુલ રૂ. ૮,૫૧૬ કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે.
વધુમાં પ્રવક્તા મંત્રીશ્રીએ રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ચાલી રહેલ ખરીદીની વિગતો આપતા કહ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યના ૬.૭૯ લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૧૦,૬૯૮ કરોડથી વધુના મૂલ્યના કુલ ૧૪.૯૧ લાખ મેટ્રિક ટનથી વધુ જથ્થાની ખરીદી કરવામાં આવી છે. જેની સામે અત્યાર સુધીમાં ૪.૧૬ લાખથી વધુ ખેડૂતોને કુલ રૂ. ૬,૫૭૩ કરોડથી વધુની ચૂકવણી કરવામાં આવી છે.
જે અંતર્ગત આજ સુધીમાં રાજ્યના ૬.૨૬ લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૧૦,૩૦૦ કરોડથી વધુના મૂલ્યની કુલ ૧૪.૧૮ લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરાઈ છે. જેની સામે અત્યાર સુધીમાં ૩.૮૯ લાખ ખેડૂતોને કુલ રૂ. ૬,૩૬૨ કરોડથી વધુની રકમ સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવી દેવામાં આવી છે, તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

