OYO હોટલ્સ એન્ડ હોમ્સના ફાઉન્ડર રિતેશ અગ્રવાલ સહિત 7 લોકો વિરુદ્ધ છેતરપિંડી મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એક હોટલ માલીકે OYO પર છેલ્લા પાંચ મહીનાનું ચૂકવણી ન કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે OYO હોટલ્સ એન્ડ હોમ્સ પર રૂપિયા 35 લાખ ન ચૂકવ્યા હોવાનો દાવો કર્યો છે. આ માહિતી પોલીસે આપી હતી. પોલીસે જણાવ્યું કે, રિતેશ અગ્રવાલ અને છ અન્ય લોકોને ગુરૂવારે તપાસ અધિકારી સામે હાજર થવા જણાવ્યું છે.

રૂ.35 લાખ ન ચુકવવાનો આરોપ
બેંગલુરુના ડોમલર ગામમાં આવેલી હોટલ રોક્સેલ ઈનના માલિક બેટ્સ ફર્નાડિસ (Betz Fernandez)ની ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ ઓયોએ તેમની હોટલના રૂમનું બુકિંગ કરીને દર મહિને રૂપિયા સાત લાખ આપવાનું કહ્યું હતું, જોકે આ ચૂકવણી મે મહિનાથી આપવામાં આવી રહ્યું નથી. FIRમાં રિતેશ અગ્રવાલ, ઓયો(સાઉથ)ના હેડ રોહિત શ્રીવાસ્તવ, બિઝવનેસ ડેવલોપમેન્ટ હેડ-માધવેંદ્ર કુમાર અને ગૌરબ ડે, ફાઈનાન્સ ઓફિસર- પ્રતીક અગ્રવાલ, મંજીત સિંહ અને મ્રિમોની ચક્રવર્તીના નામ છે.

રિતેશ અગ્રવાલ સહિત ઉપરોક્ત છ લોકોને ગુરુવારે તપાસ અધિકારી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. ઓયો શું કહે છે? ઓયો હોટેલ્સ એન્ડ હોમ્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે તે બેંગલુરુમાં હોટલના માલિક વિરુદ્ધ પ્રતિ ફરિયાદ નોંધાવશે. અમારા વકીલો આ મામલે તપાસ કરી રહ્યા છે. અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. આ દાવા ખોટા છે. ટૂંક સમયમાં બેંગલુરુના માલિક વિરુદ્ધ યોગ્ય ગુનાહિત કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ઓયોએ કહ્યું, “અમે ગ્રાહકો અને કર્મચારીઓના હિતોને ધ્યાનમાં રાખીને કામ કરીએ છીએ.” ઓયોએ પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે, સપ્ટેમ્બરમાં પણ આવી જ FIR ખોટી રીતે નોંધાઈ હતી. કર્ણાટક હાઇકોર્ટે તાજેતરમાં જ આ મામલે સ્ટે આપ્યો છે. તેથી આપણી પાસે ન્યાયિક પ્રણાલીમાં નિર્દોષ સાબિત કરવાના મજબૂત કારણો છે.