હવામાં ભળતા ઝેરની અસરથી માનવી જ નહી, પરંતુ ભગવાન પણ પરેશાન છે. કાશીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ખૂબ જ ભયાનક સ્તરે પહોંચી ગઈ છે. ખુલ્લી હવામાં શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. જેને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પણ દેવી-દેવતાઓની પ્રતિમાને માસ્ક પહેરાવવાની ફરજ પડી છે. જેથી તેમને પ્રદૂષણના જોખમથી બચાવી શકાય.
દિવાળી બાદ દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતના અનેક શહેરોમાં વાયુ પ્રદુષણનું જોખમ યથાવત છે. બનારસના લોકો પ્રદૂષિત હવાથી બચવા માટે આજકાલ લોકો માસ્ક પહેરેલા જોવા મળી રહ્યા છે. વારાણસીના સિગરા સ્થિત કાશી વિદ્યાપીઠ વિદ્યાલય નજીક આવેલા ભગવાન શિવ-પાર્વતીના મંદિરમાં અમુક મૂર્તિઓને પૂજારીઓ અને ભક્તોએ માસ્ક પહેરાવી દીધા છે. જેથી ભગવાનને પ્રદૂષણથી બચાવી શકાય.
આ અંગે પૂજારી સાથે વાત કરતા જાણવા મળ્યું કે, વારાણસી નગરી આસ્થાની નગરી છે. અમે ભગવાનને માણસના રુપમાં અનુભવીએ છીએ. ગરમીમાં પણ ભગવાને ઠંડક આપવા માટે ચંદનનો લેપ કરીએ છીએ. આ ઉપરાંત શિયાળામાં પણ ઠંડીથી બચાવવા માટે ધાબળા અને સ્વેટર પણ પહેરાવવામાં આવે છે.
અમે ભગવાનને માણસ તરીકે જોઈએ છીએ તો, તેમની પર પણ પ્રદૂષણની અસર સ્વાભાવિક થાય છે. આથી જ અમે ભગવાનને માસ્ક પહેરાવ્યા છે. પૂજારીએ વધુમાં જણાવ્યું કે, અમે ભોલાનાથ, દુર્ગા દેવી, કાલી માતા અને સાંઈ બાબાની પૂજા કર્યા બાદ તેમની મૂર્તિને માસ્ક પહેરાવી દઈએ છીએ. ભક્તો જ્યારે ખુદ ભગવાનને માસ્ક સાથે છે તો, તેઓ પણ પ્રદૂષણથી બચવા માસ્કનો ઉપયોગ કરવા માટે પ્રેરાય છે.