BSNL ની હાલત કેટલી ખરાબ થઇ ચુકી છે તેનો અંદાજ હવે તે વાતથી લગાવી શકાય છે કે 10મહિનાથી સેલેરી ન મળતા એક શખ્સે પોતાને ફાંસી લગાવી જીવન ટૂંકાવ્યુ હતુ. જણાવી દઇએ કે, ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) નાં કરાર કર્મચારી(Contract employee) એ છેલ્લા 10 મહિનાથી પગાર ન મળતા ગુરુવારે કેરળમાં તેની ઓફિસમાં જ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. મહત્વનું છે કે, આ વખતે બીએસએનએલ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. કર્મચારીઓને ઘણા મહિનાઓથી પગાર મળ્યો નથી, જેના કારણે તેઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈનાં રિપોર્ટ અનુસાર પોલીસે કહ્યું કે, રામકૃષ્ણન જિલ્લાનાં વંડૂરનો રહેવાસી હતો અને છેલ્લા 30 વર્ષથી પાર્ટ-ટાઇમ સફાઈ કામદાર તરીકે કામ કરતો હતો. ટ્રેડ યુનિયનનાં નેતાઓએ જણાવ્યું હતું કે કરાર કરાયેલા કર્મચારીને છેલ્લા 10 મહિનાથી પગાર મળતો નથી અને બાકીનાં પગારની માંગ સાથે તેઓ છેલ્લા 130 દિવસથી પ્રદર્શન કરી રહ્યા છે.
જણાવી દઈએ કે અગાઉ સરકારે ખોટમાં જઇ રહેલી જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપનીઓ બીએસએનએલ અને એમટીએનએલ માટે રૂ. 68,751 કરોડનાં રિવાઇવલ પેકેજને મંજૂરી આપી હતી. આમાં બીએસએનએલ સાથે એમટીએનએલનું વિલીનીકરણ, કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (વીઆરએસ) અને 4 જી સ્પેક્ટ્રમ ફાળવણીનો સમાવેશ થાય છે.