આજે અયોધ્યા વિવાદ પર ચૂકાદો આપશે સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટની 5 સભ્યોની ખંડપીઠ, આજે રામ જન્મ ભૂમી – બાબરી મસ્જીદ કેસ – અયોધ્યા વિવાદ પર ચૂકાદો આપશે. સૂત્રોનુ માનીયે તો કોર્ટે તેનું શેડ્યુલિંગ કરી લીધું છે. સવારે 10.30 વાગે જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચ ચૂકાદો સંભળાવવાની શરૂ આત કરશે. આપને જણાવી દઇએ કે આ બહુચર્ચીત અને 70 વર્ષથી જેની રાહ જોવામાં આવી રહી હતી તે અયોધ્યા કેસમાં સુપ્રીમની પાંચ જજોની બેન્ચે 40 દિવસ સુધી હિન્દુ અને મુસ્લિમ પક્ષની દલીલ સાંભળ્યા બાદ 16 ઓક્ટોબરે ચૂકાદો અનામત રાખ્યો હતો.
અયોધ્યા સહિત પૂરા ભારતમાં સુરક્ષા વ્યવસ્થા દુરસ્ત કરાય
યુપી પ્રશાસને ફોર્સની 100 કંપનીઓ માંગી. અયોધ્યા જિલ્લાને ચાર ઝોન- રેડ, યલો, ગ્રીન અને બ્લૂમાં વહેંચવામાં આવ્યો છે. તેમાં 48 સેકટર બનાવવામાં આવ્યા છે. વિવાદિત પરિસર, રેડ ઝોનમાં સ્થિત છે. પોલીસના જણાવ્યા મુજબ, સુરક્ષા યોજના એ રીતે બનાવવામાં આવી રહી છે કે એક આદેશથી સમગ્ર અયોધ્યાને સીલ કરી શકાય. પ્રશાસને ચૂકાદાનો સમય નજીક આવવા પર પેરામિલિટ્રીની વધુ 100 કંપનીઓની માંગ કરી છે. અગાઉ અહીં મિલિટ્રીની 47 કંપનીઓ પહોંચી હતી, જે હાલ પણ છે
કેન્દ્ર સરકારે અયોધ્યામાં પેરામિલિટરીની 40 કંપની મોકલી
યુપીના ડીજીપી ઓપી સિંહે એ જણાવ્યું હતું કે, ભીડને નિયંત્રિત કરવી અને અફવાઓ ફેલાતી રોકવી એ અમારી ટોચની પ્રાથમિકતા રહેશે. અત્યાર સુધી કેન્દ્ર સરકારે અયોધ્યામાં પેરામિલિટરીની 40 કંપની મોકલી આપી છે. પેરામિલિટરીની આ કંપનીઓ ઉપરાંત પોલીસ અને પીએસીની કંપનીઓ પણ તહેનાત કરાશે. અમે પેટ્રોલિંગ, ચેકિંગ સહિતની તમામ કવાયત કરી રહ્યાં છે. જિલ્લા અધિકારીઓ ધર્મગુરુઓ સાથે બેઠક કરી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં 6000 શાંતિ બેઠકો યોજી 5800 ધર્મગુરુઓ સાથે મુલાકાત કરાઈ હતી. અમે સેના અને વાયુસેનાના પણ સંપર્કમાં છીએ.
અયાધ્યા – યુપી સહિત દેશનાં અનેક શહેરોમાં આજે સ્કૂલ – કોલેજો બંધ
અયોધ્યા કેસમાં આજે આવી રહેલા ચૂકાદાનાં પગલે આજે દેશનાં અયોધ્યા સહિતનાં અનેક શહેરોમાં તંત્ર દ્વારા રજા જાહેર કરી દેવામાં આવી છે. જોકે, અનેક શહેરોમાં 9 -10 -11 તરીખ સુધી રજા જાહેર કરી દેવામાં આવી છે.