ત્રણ ચાઈનીઝ બેન્કે અનિલ અંબાણી વિરુદ્ધ 680 મિલિયન ડોલર (લગભગ 47,600 કરોડ) રૂપિયા નહિં ચૂકવવા બદલ લંડન કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેન્ક ઓફ ચાઈના લિમિટેડ, ચાઈના ડેવલપમેન્ટ બેન્ક અને એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બેન્ક ઓફ ચાઈનાએ 2012માં અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સને 925.20 મિલિયન ડોલર (લગભગ 64,750 કરોડ રૂપિયા)ની લોન આપી હતી. તે સમયે અનિલ અંબાણીએ કહ્યું હતું કે, તે આ લોનની પર્સનલ ગેરન્ટી આપે છે, પરંતુ ફેબ્રુઆરી 2017 બાદ કંપની લોન ચૂકવવામાં ડિફોલ્ટ ગઈ.

આ મામલે અનિલ અંબાણીનું કહેવું છે કે, તેમણે પર્સનલ કંફર્ટ લેટર આપવાની વાત કરી હતી, તેમણે ખાનગી સંપતિને ગેરન્ટી બનાવવાની રજૂઆત ક્યારેય નહોતી કરી. અનિલ અંબાણીના વકીલે કહ્યું કે, ICBC બેન્ક સતત અનિલ અંબાણી અને તેની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સમાં અંતર નહિં કરવાની ભૂલ કરતા રહ્યા. અનિલ અંબાણી રિલાયન્સ કોમ્યુનિકેશન્સના ચેરમેન છે અને તેનું રિલાયન્સ ગ્રુપ છેલ્લા કેટલાય સમયથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે.

ગ્રુપ પર દેવુ ઘણું વધી રહ્યું છે, જેને કારણે મુશ્કેલીઓ વધી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, સપ્ટેમ્બર સુધી રિલાયન્સ ગ્રુપ પર 13.2 અબજ ડોલર (લગભગ 93 હજાર કરોડ રૂપિયા)નું દેવુ છે. એરિક્શન સાથે પણ આ રીતના વિવાદો સામે આવ્યા હતા. રિલાયન્સ કોમ્યુનિકેશનને એરિક્શનને 550 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હતા. સુપ્રીમ કોર્ટના કહેવા પછી અનિલ અંબાણી દેવુ ચૂકવવા માટે તૈયાર થયા અને તેમાં મુકેશ અંબાણીએ તેમની મદદ કરી.