અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો માર્ગ મોકળો બન્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે અયોધ્યાની વિવાદિત જમીન પર રામલલા વિરાજમાનનો હક્ક માન્યો છે. જ્યારે મુસ્લિમ પક્ષ માટે અયોધ્યામાં જ 5 એકર જમીન આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ દરમિયાન રામ મંદિરની ડિઝાઈનને લઈને એકવખત ફરીથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે, રામ મંદિર કેવી રીતે બનશે?
હકીકતમાં 1989માં જ રામ મંદિર માટે ડિઝાઈન તૈયાર કરવામાં આવી હતી. ગુજરાતી એવા સોમપુરા પરિવારના ચંદ્રકાર સોમપુરા અને તેમના પુત્ર નીખિલ સોમપુરાએ આજથી આશરે 30 વર્ષ પહેલા જ એક બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી હતી. જેમાં દર્શાવાયું હતું કે, અયોધ્યામાં નિર્માણ પામનાર રામ મંદિર કેવું હશે. આ બ્લૂ પ્રિન્ટની મદદથી સમજી શકાશે કે, રામ મંદિર નિર્માણ બાદ કેટલું ભવ્ય લાગશે.
રામ મંદિરની ડિઝાઈન તૈયાર કરનારા ચંદ્રકાંત સોમપુરાએ સૌથી પહેલા સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કરતા જણાવ્યું કે, તેમની 30 વર્ષની આતુરતાનો આખરે અંત આવ્યો છે. સૌથી અનોખુ અને અવિશ્વસનિય રામ મંદિર ભારતના તમામ મંદિરો કરતા ભવ્ય અને સુંદર તૈયાર કરવામાં આવશે.
કેવું હશે રામ મંદિર
રામ મંદિરની બ્લૂપ્રિન્ટ અનુસાર, અયોધ્યામાં 69 એકર જમીન પર રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ ભક્તોની નજર અષ્ટકોણીય આકારની ટોચ પર જશે. આ ઉપરાંત ગર્ભગૃહ પણ અષ્ટકોણીય હશે. મંદિરમાં એક ગૂઢ મંડપ અને નૃત્ય મંડપ પણ હશે. આ રામ મંદિર 270 ફૂટ લાંબુ, 135 ફૂટ પહોળુ, 141 ફૂટ ઉંચુ બનશે. આ મંદિરનું સૌથી મોટુ આકર્ષણ ઉત્તર ભારતની લોકપ્રિય નાગરી શૈલી હશે, જે મંદિરની બનાવટમાં જોવા મળશે.
રામ મંદિર પરિસરમાં મુખ્ય મંદિરની ચારો તરફ અન્ય મંદિરો પણ હશે. જેમાં સીતા, લક્ષ્મણ, હનુમાન અને ગણપતિના મંદિર પણ રામલલાની પાસે જ બનાવવામાં આવશે.
આ મંદિરો મુખ્ય મંદિરની ચારો તરફ નિર્માણ પામશે. રામ મંદિરનું પ્રવેશ દ્વાર પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. રામ મંદિરનું દરેક પ્રવેશ દ્વારા એવું હશે કે, ભક્તને પોતાના મૂળ સ્થાનથી મુખ્ય મંદિર જોવા મળશે, કારણ કે રામ મંદિરનું પ્રવેશ દ્વારા દરેક દિશામાં બનાવવામાં આવશે. ઉત્તર ભારતનો ગેટ ઉત્તર દિશામાં, પશ્ચિમ ભારતનો ગેટ પશ્ચિમ દિશામાં, દક્ષિણ ભારતનો ગેટ દક્ષિણ દિશા તરફ અને પૂર્વ ભારતો ગેટ પૂર્વ દિશામાં તૈયાર કરવામાં આવશે.
રામ મંદિર પરિસરમાં રોકાવા માટે એક ધર્મશાળાનું પણ નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત દૂરથી આવનાર ભક્તોના ભોજનની વ્યવસ્થા માટે એક રેસ્ટોરન્ટ પણ હશે. આ સિવાય મંદિરમાં એક રિસર્ચ સેન્ટર પણ બનાવવામાં આવશે.
રામ મંદિરના નિર્માણ માટે રાજસ્થાનના ગુલાબી પથ્થરોનો ઉપયોગ કરવામાં આવશે. આ પથ્થર ભરતપુરમાં આગરાની પાસે જ મળી આવે છે. આ પથ્થર 20 વર્ષ પહેલા 50 રૂપિયામાં મળતા હતા, જ્યારે આજે તેની કિંમત 700 રૂપિયા પ્રતિ ઘન ફૂટ થઈ ગઈ છે. મંદિરના નિર્માણમાં કુલ 2 લાખ ઘન ફીટ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં મંદિરના બે મંડપો બનાવવામાં આવ્યા છે. આ બન્ને મંડપોમાં ઉપયોગ કરવામાં આવેલા પથ્થરો કાળા પડી ગયા છે. આ કાળાશને દૂર કરવા અને તેના પુન: ઉપયોગ માટે સોમપુરા પરિવાસે યોજના બનાવી છે.
કોણ છે ચંદ્રકાંત સોમપુરા?
ચંદ્રકાંત સોમપુરાને મંદિરોની ડિઝાઈન બનાવવા અને નિર્માણમાં મહારત પ્રાપ્ત છે. માત્ર ઈન્ટર સુધી ભણેલા ચંદ્રકાંતભાઈને આ કલા વારસામાં તેમના દાદા પાસેથી મળી છે. ચંદ્રકાંતભાઈએ અત્યાર સુધીમાં 100થી વધુ મંદિરો બનાવ્યા છે. તેમને સમગ્ર પરિવાસ મંદિરોના નિર્માણ સાથે સંકળાયેલો રહ્યો છે. ગાંધીનગર, સિંગાપુર, પીટ્સબર્ગ અને અમેરિકામાં પણ મંદિર નિર્માણમાં સોમપુરા પરિવારના સભ્યોનો જ હાથ છે. ચંદ્રકાંતભાઈ સોમપુરાએ લંડનના આલિશાન અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ મંદિરનો નક્શો પણ બનાવ્યો હતો. આ મંદિર ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે. મૂળ ગુજરાતના પાલિતાણા શહેરના ચંદ્રકાંતભાઈના પિતાએ ઉત્તરાખંડના બદ્રીનાથ મંદિરની મરમ્મતનું કાર્ય પણ કર્યું હતું. મંદિરોની વાસ્તુકલામાં જ્ઞાનને કારણે 1997માં ચંદ્રકાંતભાઈને સમ્માન મળ્યું અને તેમને સર્વશ્રેષ્ઠ આર્કિટેક્ટ જાહેર કરવામાં આવ્યા હતા.