બાંગ્લાદેશમાં મંગળવારે વહેલી સવારે એક ગોઝારી ટ્રેન દુર્ઘટનામાં બે ટ્રેનો સામસામે ધડાકાભેર અથડાતા 15 લોકોનાં મોત થયા હતા તેમજ 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ મધ્યપૂર્વ બાંગ્લાદેશના બ્રાહ્મણબારિયા જિલ્લામાં બે ટ્રોનો રાત્રે 3.30 વાગે સામે સામે ટકરાઈ હતી. સિલહટથી ઉપડેલી ચિત્તગોંગ તરફ જતી ઉદયન એક્સપ્રેસ ઢાકા જઈ રહેલી તુર્ના નિશિતા એક્સપ્રેસ ટ્રેન વચ્ચે મોંદોભાગ રેલવે સ્ટેશન પાસે જોરદાર ટક્કર થઈ હતી. બ્રાહ્મણબારિયાના ડેપ્યુટી કમિશનર હયાત-ઉદ્દૌલા ખાને આપેલી વિગતો મુજબ બન્ને ટ્રેનોના લોકો માસ્ટર્સે સિગ્નલની અવગણના કરી હોવાથી આ અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતને પગલે ત્રણ જુદી જુદી તપાસ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હોવાનું રેલવે મંત્રાલયના સચિવ મોફઝ્ઝલ હુસૈને જણાવ્યું હતું. અહેવાલ મુજબ ઉદયન એક્સપ્રેસ અખુરા રેલવે જંક્શન નજીક પોતાનો ટ્રેક બદલી રહી હતી તે સમયે બન્ને ટ્રેનો ધડાકાભેર અથડાઈ હતી. મૃતકોની ઓળખ હજી સુધી થઈ શકી નથી અને ઈજાગ્રસ્તોને વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ટ્રેનો વચ્ચે ટક્કર થઈ ત્યારે મોટાભાગના લોકો ઊંઘી રહ્યા હતા. બચાવ તેમજ રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. જો કે કેટલાક લોકો ગંભીર રીતે ઘવાયા હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના રહેલી છે.