ગુજરાત એસ.ટી.ને મળ્યો નવો વેગ: ૩૦૮૪ ડ્રાઈવર અને ૧૬૫૮ હેલ્પરને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા નિમણૂક પત્ર

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
7 Min Read

૨૦૨૭ સુધી ૩૦ લાખ મુસાફરોનો લક્ષ્યાંક: એસ.ટી. નિગમની વિકાસયાત્રાને નવી દિશા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના 3084 ડ્રાઇવર અને 1658 હેલ્પર કક્ષાના ઉમદવારોને ગાંધીનગરમાં નિમણૂંકપત્ર એનાયત કર્યા હતા.

નિમણૂંક પત્ર એનાયત સમારોહના અધ્યક્ષસ્થાનેથી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માર્ગ વાહન વ્યવહાર નિગમની બસોના ડ્રાઈવર્સ છેવાડાના માનવી સુધી પહોંચે છે. એટલે આ બસ ચાલકો સલામત સવારીની સાથે સમયપાલનની મોટી જવાબદારીનું વહન કરીને રાજ્ય સરકારની ઇમેજ ઘડનારા મહત્વપૂર્ણ અંગ છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ નાનામાં નાના માનવી સુધી રોડ-રસ્તા, વીજળી-પાણી, આરોગ્ય સેવા, બસ સેવા જેવી પાયાની સુવિધાઓ પહોંચે તેવો વિકાસ સુનિશ્ચિત કર્યો છે.

- Advertisement -

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવી નિમણૂંક પામેલા ઉમેદવારોને રાજ્યની પરિવહન વ્યવસ્થાના પ્રહરી ગણાવ્યા હતાં. આ અંગે તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યની વાહન વ્યવહાર વ્યવસ્થાનો કાયાપલટ કર્યો અને જરીપુરાણી જૂની બસોમાંથી એસી વોલ્વો જેવી બસો આજે નાગરિકોની સેવામાં કાર્યરત કરી છે. રાજ્ય સરકારે વાહન વ્યવહારમાં જે આધુનિક સુવિધાઓ ઊભી કરી છે તેને સારી રીતે સાચવવાની મહત્વની જવાબદારી બસ ડ્રાઈવર્સ અને હેલ્પર્સના શિરે છે.

Gujarat ST Driver Helper Appointment 2025 1.png

- Advertisement -

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, નાગરિકો એસ.ટી. ડ્રાઇવરોના ભરોસે નિશ્ચિંત થઈને મુસાફરી કરે છે. નાગરિકોને સમયસર ગંતવ્યસ્થાન સુધી પહોંચાડીને સરકારી સેવાની સાથે સામાજિક દાયિત્વ નિભાવવાનું પણ કાર્ય આ બસચાલકો કરે છે. એટલે કે સામાન્ય માનવીના જીવન સાથે સંકળાયેલા બસ ચાલકો તન-મનથી સ્વસ્થ રહે તે જરૂરી છે તેવો અનુરોધ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે, ગમે તે પરિસ્થિતિમાં સ્વસ્થ રહીને, માનસિક સંતુલન જાળવીને ફરજ બજાવવી જરૂરી છે. આ માટે પોઝિટીવિટીથી કાર્યરત રહીને તેમજ જીવનમાં કોઈપણ પરિસ્થિતિમાં બેલેન્સ રાખવાની સજ્જતા કેળવવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, આજે જીપીએસ સહિતની સુવિધાઓથી સજ્જ બસોનું ટ્રેકિંગ નાગરિકો મોબાઈલના માધ્યમથી કરી શકે છે. આથી જેમના માટે આ બસો ચાલી રહી છે તે નાગરિકોની સમયબદ્ધતા જળવાય તેની કાળજી પણ બસચાલકોએ રાખવાની છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ 2047માં ભારતને વિકસિત બનાવવા માટે જે લક્ષ્ય રાખ્યું છે તેમાં સ્વચ્છતાને પ્રાથમિકતા આપી છે. આ સંદર્ભે તેમણે રાજ્યની આધુનિક સુવિધાથી સજ્જ બસોમાં સ્વચ્છતા જાળવવા માટે નવા માનવબળને આહવાન કર્યું હતું.

- Advertisement -

Gujarat ST Driver Helper Appointment 2025 4.png

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જન સારથિ ડ્રાઇવિંગ સ્કૂલનો શુભારંભ પણ કરાવ્યો હતો.

રાજ્યના નાગરિકોની સુખાકારી માટે ૩૬૫ દિવસ અને ૨૪ કલાક કાર્યરત વિભાગોના કર્મચારીઓને અભિનંદન પાઠવતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જ્યારે આખું જગત તહેવારો ઉજવતું હોય છે, ત્યારે ગુજરાતના કેટલાક વિભાગો એક મિનિટ માટે પણ અટકતા નથી. તેમણે ગર્વ સાથે કહ્યું કે હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો, ફાયર બ્રિગેડ અને વીજળી વિભાગની જેમ એસ.ટી. નિગમના સૌ કર્મચારીઓની સેવાઓ વર્ષના ૩૬૫ દિવસ અને ૨૪ કલાક કાર્યરત રહે છે. રાત-દિવસ, ઠંડી, ગરમી કે વરસાદ જોયા વિના કામ કરતા આ કર્મયોગીઓની મહેનત જ ગુજરાતના સુશાસનનો સાચો આધારસ્તંભ છે અને તેમની અવિરત જનસેવાની જ્યોતને તેમણે મંચ પરથી દિલથી સેલ્યુટ કરી હતી.

રાજ્ય સરકારની કાર્યક્ષમતા પર પ્રકાશ પાડતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ૩૦૮૪ ડ્રાઈવર અને ૧૬૫૮ હેલ્પર કક્ષાના નવનિયુક્ત ઉમેદવારોની આ ભરતી પ્રક્રિયા દ્વારા નિગમને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે.

પરિવહન ક્ષેત્રે ભવિષ્યના લક્ષ્યાંકો નિર્ધારિત કરતા શ્રી સંઘવીએ જણાવ્યું કે, દૈનિક અંદાજિત ૨૪ લાખ મુસાફરોને પરિવહન સેવા પૂરી પાડતા એસટી નિગમે વર્ષ ૨૦૨૫ સુધી ૨૭ લાખ મુસાફરોને સેવા પૂરી પાડવા એક લક્ષ્યાંક નક્કી કર્યો હતો. એસ.ટી. નિગમ દ્વારા નિર્ધારિત સમયમાં દૈનિક ૨૭ લાખ મુસાફરોને સેવા આપવા કરેલો લક્ષ્યાંક સિદ્ધ કરી દીધો છે તે ગર્વની વાત છે. હવે ૨૦૨૭ સુધીમાં આ લક્ષ્યાંકને વધારીને ૩૦ લાખ સુધી પહોંચાડવાનો સરકારનો સંકલ્પ છે. એક અભ્યાસ મુજબ આ લક્ષ્યાંક સિધ્ધ થશે તો હાઈવે લોડમાં તો ઘટાડો થશે જ, સાથે સાથે જાહેર માર્ગો પર ફરતા ફોર વ્હીલર અંદાજે ૨૫ હજાર અને ટુ વ્હીલર અંદાજે ૧ લાખ ઘટશે, જે પ્રદૂષણની સાથે સાથે ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થશે. આ ઉપરાંત, હાલમાં ૯ લાખ વિદ્યાર્થીઓ એસ.ટી. બસોનો લાભ લઈ રહ્યા છે, જેને વધારીને ૧૦ લાખ સુધી લઈ જવાનું લક્ષ્ય છે. જો આપણે ૧૦ લાખ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીશું, તો વધુ એક લાખ પરિવારોને સીધી મદદ મળશે અને તે એક લાખ બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવામાં આપણું યોગદાન ઉમેરશે.

Gujarat ST Driver Helper Appointment 2025 3.png

૨૦૨૫માં એસટી વિભાગ દ્વારા કરવામાં આવેલા કાર્યોથી માહિતગાર કરતા શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, માત્ર એક વર્ષમાં ૧૭૧૪ નવી નક્કોર બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવી છે. જેમાં ૯૬૨ સુપર એક્સપ્રેસ, ૨૭૨ સેમી લક્ઝરી, ૩૫૦ મિડી બસો તથા ૩૦ વોલ્વો અને ૧૦૦ એસી બસોનો સમાવેશ થાય છે. આ સાથે જ મુસાફરોની સુવિધા માટે ૨૦૨૫માં ૨૭ નવા બસ સ્ટેન્ડોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને ભવિષ્ય માટે ૨૯ નવા કામોના ખાતમુહૂર્ત પણ કરી દેવામાં આવ્યા છે. તેમણે તમામ કર્મચારીઓને બસો અને બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા જાળવવા પર વિશેષ ધ્યાન આપવા અપીલ કરી હતી.

આ પ્રસંગે વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં એસ.ટી. નિગમે અનેક નવા આયામો હાંસલ કર્યા છે. આવનારા સમયમાં એસ.ટી. નિગમ ૧૦૦ ટકા ડિજિટલ પેમેન્ટ તરફ આગળ વધશે, જેના પરિણામે નાગરિકોને છુટ્ટા પૈસા સાથે લાવવામાંથી મુક્તિ મળશે. છેલ્લા અંદાજિત ૪૦ દિવસમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ૪૫ હજારથી વધુ ઉમેદવારોને સરકારી નોકરી માટે વિવિધ વિભાગોમાં નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે .વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરમાં સરકારી નોકરી માટે શરૂ કરાયેલી ૧૦૦ ટકા પારદર્શક રીતે, પરીક્ષાઓ યોજીને વધુને વધુ ઉમેદવારો નોકરી મળી રહે તે પ્રકારનું આયોજન ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં થઈ રહ્યું છે. રાજ્યમાં ગુડ ગવર્નન્સના પરિણામે છેવાડાના યુવાનો પણ પરીક્ષા પાસ કરીને સરકારી સેવામાં જોડાઈ રહ્યા છે.

Gujarat ST Driver Helper Appointment 2025 2.png

કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રતીક રૂપે ચાર ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરાયા હતા તેમજ વાહન વ્યવહાર નિગમ દ્વારા બનાવવામાં આવેલી જન સારથિ ડ્રાઇવિંગ સ્કૂલનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

અગ્રસચિવ શ્રી હારિત શુકલએ સૌનું સ્વાગત અભિવાદન કરતા, અંદાજે ૪૭૦૦ જેટલા નવા જોડાતા કર્મયોગીઓની પારદર્શી અને મેરિટ આધારિત નિમણૂકની સંપૂર્ણ પ્રક્રિયાને બિરદાવી હતી.

આ પ્રસંગે મેયર શ્રીમતી મીરાંબેન પટેલ, ધારાસભ્ય સર્વ શ્રી રીટાબેન પટેલ, શ્રી જયંતીભાઈ પટેલ, શ્રી બલરાજસિંહ ચૌહાણ, અગ્રણી શ્રી આશિષભાઈ દવે, મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક શ્રી એમ.નાગરાજન તથા બહોળી સંખ્યામાં નવ નિયુક્ત ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.