વાઘોડિયાના કુપોષિત બાળકો માટે જિલ્લા પ્રશાસન અને પારુલ યુનિવર્સિટીનો માસ્ટર પ્લાન
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં બાળકોના સ્વાસ્થ્ય અને સુપોષણ માટે એક નવી ક્રાંતિનો આરંભ થયો છે. વાઘોડિયા કુમાર શાળા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબેન મહિડાના અધ્યક્ષસ્થાને યોજાયેલા ‘આયુષ મેળા’ દરમિયાન વડોદરા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા અને પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એન્ડ રિસર્ચ (લીમડા) વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MOU) કરવામાં આવ્યા છે.
૪૦૦ બાળકોને સુપોષિત કરવાનું લક્ષ્ય
નોંધનીય છે કે, વડોદરા જિલ્લા પંચાયતના ઇતિહાસમાં સ્વતંત્ર રીતે થયેલું આ પ્રથમ MOU છે. વાઘોડિયા તાલુકાની ૧૭૫ આંગણવાડીઓમાં નોંધાયેલા અંદાજે ૪૦૦ જેટલા કુપોષિત બાળકોને આયુર્વેદિક પદ્ધતિથી કુપોષણ મુક્ત કરવાનો સંકલ્પ લેવાયો છે.
આ પ્રોજેક્ટ હેઠળ મળનારી સુવિધાઓ:
-
સ્ક્રીનિંગ અને ચિકિત્સા: તાલુકાના બે આયુષ દવાખાનાઓ ખાતે બાળકોનું સ્ક્રીનિંગ કરી પ્રાથમિક સારવાર અપાશે.
-
નિઃશુલ્ક સારવાર: પારુલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે બાળકોને દવા, રહેવા-જમવા અને વિશેષ પોષણ કીટની સુવિધા વિનામૂલ્યે મળશે.
-
પરિવહન સુવિધા: બાળકો અને તેમના વાલીઓને હોસ્પિટલ સુધી લાવવા-લઇ જવાની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરવામાં આવશે.
આયુર્વેદ એ જ સ્વસ્થ જીવનની ચાવી: ગાયત્રીબેન મહિડા
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ગાયત્રીબેન મહિડાએ જણાવ્યું હતું કે, આયુષ મેળો એ આયુર્વેદ પ્રત્યે જાગૃત થવાનો અવસર છે. તેમણે વડીલોના ઘરગથ્થુ ઉપચારોથી માંડીને યોગ અને નેચરોપેથીના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં કુપોષિત બાળકોનો આંકડો ૪૦૦થી ઘટીને ‘ઝીરો’ થઈ જશે અને વાઘોડિયા સુપોષણમાં પ્રથમ ક્રમે આવશે. તેમણે ભોજનમાં ‘મિલેટ્સ’ (જાડા ધાન્ય) ના ઉપયોગ માટે પણ ખાસ અનુરોધ કર્યો હતો.
વિવિધ સ્પર્ધાઓ અને સન્માન
આયુષ મેળામાં આંગણવાડીના તંદુરસ્ત બાળકોને પોષણ કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરો, ‘હેલ્થ ક્વિઝ’ અને ‘સ્વસ્થ બાળક સ્પર્ધા’ના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરાયું હતું. મેળામાં પંચકર્મ, દિનચર્યા અને ઋતુચર્યા અંગેના સ્ટોલ્સ દ્વારા નાગરિકોને પરંપરાગત આરોગ્ય પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલે કુપોષણને દેશની ગંભીર સમસ્યા ગણાવી આયુર્વેદિક જીવનશૈલી અપનાવવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં પારુલ આયુષ સેન્ટરના અધ્યક્ષ કોમલબેન પટેલ, મુખ્ય જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. ડાહિમા અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

