તામ્રપત્રો, શિલાલેખો અને સોલંકી સ્થાપત્ય: પ્રભાસ પાટણમાં સોમનાથના ગૌરવશાળી ઇતિહાસના પુરાવા
પ્રભાસ પાટણની પવિત્ર ભૂમિ અનેક ઐતિહાસિક વિરાસતો અને પ્રાચીન સંસ્કૃતિઓને પોતાના ઉદરમાં સમાવીને બેઠી છે. આ ધરતીનો ભૂતકાળ કેટલો સમૃદ્ધ અને ગૌરવશાળી રહ્યો છે તેની સાક્ષી અહીંના તામ્રપત્રો, અભિલેખો અને કલાત્મક શિલાલેખો પૂરે છે. આજે પણ શૌર્યગાથાઓની ગર્જના કરતા નંદી અને સોલંકી કાળનું અપ્રતિમ સ્થાપત્ય આપણી અનમોલ ધરોહર સમાન છે. સોમનાથ દેવાલયના ઇતિહાસને ઉજાગર કરતા પુરાતત્વીય પુરાવાઓ પ્રભાસ ક્ષેત્રના વિવિધ સ્થાનો પર પથરાયેલા છે, જે ભારતની સનાતન સંસ્કૃતિના ધબકારા સમાન છે.
ભદ્રકાળી મંદિરનો શિલાલેખ અને ભાવબૃહસ્પતિની પ્રશસ્તિ
પ્રભાસ પાટણ મ્યુઝિયમ હસ્તકનો એક અત્યંત મહત્વપૂર્ણ શિલાલેખ મ્યુઝિયમ નજીક ભદ્રકાળી ફળિયામાં આવેલો છે. સોમપુરા બ્રાહ્મણ દીપકભાઈ દવેના નિવાસસ્થાને આવેલા પૌરાણિક ભદ્રકાળી મંદિરની દીવાલ પર આ ઐતિહાસિક શિલાલેખ આજે પણ જડિત છે. ઈ.સ. ૧૧૬૯માં ઉત્કીર્ણ થયેલો આ લેખ અણહિલવાડ પાટણના મહારાજાધિરાજ કુમારપાળના ધર્મગુરુ ભાવબૃહસ્પતિનો પ્રશસ્તિ લેખ છે. આ લેખમાં સોમનાથ મંદિરનો પૌરાણિક અને મધ્યકાલીન ઇતિહાસ લિપિબદ્ધ કરવામાં આવ્યો છે, જે સંશોધકો માટે જ્ઞાનનો ભંડાર છે.
ચાર યુગમાં સોમનાથના નિર્માણની પૌરાણિક કથા
આ ઐતિહાસિક અભિલેખમાં ચારેય યુગ દરમિયાન સોમનાથ મહાદેવના નિર્માણનો ઉલ્લેખ જોવા મળે છે. શિલાલેખ મુજબ સતયુગમાં સોમે સોનાનું, ત્રેતાયુગમાં રાવણે ચાંદીનું, દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણએ કાષ્ઠનું અને કલિયુગમાં રાજા ભીમદેવ સોલંકીએ સુંદર પાષાણનું કલાત્મક મંદિર બંધાવ્યું હતું. ઇતિહાસના પાનાઓ પર દ્રષ્ટિ કરીએ તો ભીમદેવ સોલંકી દ્વારા ચોથા મંદિરનું નિર્માણ થયાના પુરાવા મળે છે અને ત્યારબાદ ઈ.સ. ૧૧૬૯માં કુમારપાળ દ્વારા પાંચમા મંદિરનું નિર્માણ તે જ સ્થાને કરવામાં આવ્યું હતું.
સ્થાપત્ય અને સાહિત્યના કેન્દ્ર તરીકે પ્રભાસ પાટણ
સોલંકી શાસકોના સમયમાં પ્રભાસ પાટણ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સ્થાપત્ય, શિલ્પ અને સાહિત્યનું પણ મુખ્ય કેન્દ્ર હતું. સિદ્ધરાજ જયસિંહની ન્યાયપ્રિયતા અને કુમારપાળની પ્રબળ ધર્મનિષ્ઠાએ સોમનાથના શિખરને ગૌરવના ઉચ્ચ શિખરો પર પ્રસ્થાપિત કર્યું હતું. ભદ્રકાળી ફળિયાના આ શિલાલેખમાં કંડારાયેલા અક્ષરો આજે પણ સોલંકી શાસકોના સમર્પણની પ્રતીતિ કરાવે છે. આ ઐતિહાસિક વિરાસત આવનારી પેઢીઓને આપણા સુવર્ણકાળની ઝાંખી કરાવતી રહેશે અને ભક્તિ તથા સ્વાભિમાનના અવિનાશી હોવાનો પુરાવો આપતી રહેશે.

