કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રામ મંદિર મામલે માધ્યમોમાં જાહેર થયેલા અહેવાલોને અફવા ગણાવતા કહ્યું હતું કે, ભાજપનો કોઈ પણ સભ્ય આ ટ્રસ્ટનો ભાગ નહીં બને જે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું ધ્યાન રાખશે. તેમને એ વાતનું પણ ખંડન કર્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે તે પોતે અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્રસ્ટમાં શામેલ હશે.
અયોધ્યા કેસનો નિર્ણય સંભળાવતા સુપ્રીમ કોર્ટે સરકારને ટ્રસ્ટ બનાવી મંદિર નિર્માણ કરવાનો આદેશ આપ્યો છે. આ માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્રની મોદી સરકારને ત્રણ મહિનાની અંદર ટ્ર્સ્ટ બનાવી લેવાનો પણ આદેશ આપ્યો છે.
અમિત શાહે શું કહ્યું હતું કે, હું એ બાબત સ્પષ્ટ કરવા માંગુ છું કે, ભાજપનો એક પણ સભ્ય મંદિરમાં ટ્રસ્ટી નહીં હોય અને સરકાર પરિયોજના પર કોઈ જ ખર્ચ નહીં કરે. ટ્રસ્ટે આ મંદિર બનાવવા માટે સમાજમાંથી જ દાન ભેગુ કરવુ પડશે. શાહે ઉમેર્યું હતું કે, સુપ્રીમ કોર્ટે અમને 90 દિવસની અંદર મંદિર બનાવવાની યોજના સાથે તમામ પ્રક્રિયાઓનું પણ સંપૂર્ણપણે પાલન કરવાનો આદેશ આપ્યો છે અને મને સંપુર્ણ વિશ્વાસ છે કે, અમે આ કામ ટૂંક સમયમાં જ પૂર્ણ કરી લઈશું. ઉલ્લેખનીય છે કે, વીએચપીએ અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે 100 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી છે.