નવી દિલ્હી : વિશાખાપટ્ટનમના એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી વનડેમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝને 107 રનથી હરાવી ત્રણ મેચની વનડે સિરીઝમાં 1-1થી બરાબર કરી દીધી હતી. સિરીઝની પ્રથમ મેચ વેસ્ટ ઈન્ડિઝે 8 વિકેટે જીતી હતી, ત્યારબાદ ભારતે બીજી વનડેમાં વાપસી કરી હતી. હવે શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચ કટકમાં 22 ડિસેમ્બરે રમાશે.
વિશાખાપટ્ટનમના એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરનારી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ 387 રન બનાવ્યા હતા અને વેસ્ટ ઇન્ડીઝને જીતવા માટે 388 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝ 43.3 ઓવરમાં 280 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
આ મેચમાં રોહિત શર્માએ ટીમ ઈન્ડિયા તરફથી 159 રન બનાવ્યા હતા અને તેના શરૂઆતના સાથી લોકેશ રાહુલે 102 રન બનાવ્યા હતા. આ બંને પછી ઋષભ પંત અને શ્રેયસ અય્યરે ઝડપી રન બનાવ્યા હતા. અય્યરે 32 બોલમાં ચાર છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 53 રન બનાવ્યા. પંતે 16 બોલમાં 39 રન બનાવ્યા હતા. બોલિંગમાં કુલદીપ યાદવે વનડેમાં પોતાની બીજી હેટ્રિક લીધી છે. આ પહેલા તેણે 2017 માં કોલકાતા મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે હેટ્રિક લીધી હતી.