અમદાવાદમાં આયકર વિભાગે સપાટો બોલાવતી કાર્યવાહી શરુ કરી દીધી છે. દીશમાન ફાર્મા ઉપર આઈટી વિભાગે તવાઈ બોલાવતા દરોડા પાડી સખત કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આઈટી વિભાગે બાવળા દિશમાન ફાર્માની ફેક્ટરી સહિત 18 સ્થળે દરોડા પાડ્યા.
ઉપરાંત બોપલ રોડ પર આવેલા કોર્પોરેટર હાઉસ પર પણ તપાસ શરુ કરી છે. આઈટી વિભાગે લાલ આંખ કરતા કોર્પોરેટ હાઉસના ચેરમેન સહિત ડાયરેક્ટરના ઘર પર પણ દરોડા પાડ્યા હતા. આ રેડમાં મોટી સંખ્યામાં ઈન્કમટેક્સ વિભાગનાં અધિકારીઓ જોડાયા હતા. અને ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા મોટી માત્રામાં કરચોરી પકડી પાડવામાં આવી હોવાની ચર્ચા છે.
આઈટી વિભાગની કાર્યવાહીના પગલે વેપારી આલમમાં ફફડાટ ફેલાયો છે. ઈન્કમટેક્સ વિભાગની ચાર અલગ-અલગ ટીમો દ્વારા આ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આઈટી વિભાગની આ કાર્યવાહીમાં દિશમાન ફાર્માના ડિજિટલ વ્યવહાર અને કોમ્પ્યુટરની તપાસ આઈટી અધિકારીઓએ કરી હતી. અને આ દરોડામાં કરોડો રૂપિયાની કરચોરી પકડાઈ તેવી આશંકા સેવવામાં આવી રહી છે. તો ફાર્મા કંપની ઉપર દરોડા પડતાં જ અન્ય ફાર્મા કંપનીઓમાં પણ સન્નાટો મચી જવા પામ્યો હતો. અને અન્ય ફાર્મા કંપનીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.