નાગરિકતા સંશોધન કાયદા (CAA)નો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. વિરોધના સૂર સાથે રેલી પ્રદર્શન યોજાઇ રહ્યું છે ત્યારે હવે આ જ કાયદાના સમર્થનમાં ભાજપ મેદાનમાં ઉતર્યુ છે. સાથે સાથે વિરોધ પક્ષ તેનો વિરોધ પણ કરી રહ્યાં છે. ભાજપની સમર્થન રેલીને મંજુરી મામલે માઇનોરિટી કોર્ડિનેશન કમિટીના કન્વીનર મુજાહિદ નફિસે સવાલ ઉઠાવ્યા છે અને સરકારને પત્ર લખ્યો છે, પત્રમાં લખ્યુ છે કે CAAના સમર્થન કરનારને રેલીની મંજૂરી મળે છે તો વિરોધ કરનારને કેમ મંજુરી આપવામાં આવતી નથી.
મુખ્યમંત્રીને લખ્યો પત્ર
ગુજરાતમાં બંધારણ બચાવો CAA હટાઓ ધારણા પ્રદર્શનને મંજુરી ના આપવા અને CAAના સમર્થનમાં થતી રેલીઓને મંજુરી આપી દેવામાં આવતા માઇનોરિટી કોર્ડિનેશન કમિટી દ્વારા સરકારને પત્ર લખવામાં આવ્યો છે.
CAA કાયદાનો વિરોધ દેશમાં થઇ રહ્યો છે અને આ વિરોધ પ્રદર્શનો માટે મંજુરી આપવામાં નથી આવતી અને ઓફ ધ રેકોર્ડ અધિકારીઓ જણાવે છે કે મંજુરી ના આપવાનો ઉપરથી હુકમ છે તેથી વિરોધ પ્રદર્શનને મંજુરી નહી મળે. આ બંધારણ વિરૂદ્ધના કાયદાના સમર્થનમાં ‘નાગરિક સમિતી’ નામના સંગઠનને સમર્થન રેલી કરવા માટેની મંજુરી મળી ગઇ છે. આપણા બંધારણની કલમ 14માં સ્પષ્ટ પણે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણની વાત લખવામાં આવી છે.આ કલમ અનુસાર એકને મંજુરી આપનાર અને બીજાને મંજુરી ના આપનાર અધિકારીઓ દ્વારા સ્પષ્ટ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
માઇનોરિટી કોર્ડિનેશન કમિટી દ્વારા રાજ્યના અલગ-અલગ જિલ્લામાં CAAનું વિરોધ પ્રદર્શન કરવા માટે મંજુરી માંગી હતી.જોકે, તેમણે આ મંજુરી આપવામાં આવી નહતી. જે બાદ માઇનોરિટી કોર્ડિનેશન કમિટી દ્વારા સરકારને પત્ર લખવામાં આવ્યો હતો.