ગુપ્તચર એજન્સીઓ તરફથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. માનવામાં આવે છે કે, જૈશ-એ-મોહમ્મદ અયોધ્યામાં મોટા આતંકવાદી હુમલાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યું છે.
ગુપ્તચર એજન્સીઓએ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલી ટેલીગ્રામ ચેનલ પર જૈશના ચીફ મસૂદ અઝહરનો મેસેજ ઈન્ટરસેપ્ટ કર્યો છે. ટેલીગ્રામ ચેનલ પર મસૂદ અઝહરના મેસેજને શેર કરવામાં આવ્યો છે. જેમાં રામ જન્મભૂમિ પર હુમલાના ષડયંત્રની વાત કહેવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટને તમામ સુરક્ષા એજન્સીઓને મોકલવામા આવ્યો છે. આ ઉપરાંત અયોધ્યા સહિત સમગ્ર દેશના મહત્વના સ્થળો પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા જણાવાયું છે. આ સિવાય દેશમાં જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા નેટવર્કત પર દેખરેખ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
અગાઉ સપ્ટેમ્બરમાં અમેરિકાએ પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના પ્રમુખ નૂર વાલી મહસૂદ સહિત 12 લોકોને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યાં છે અને અનેક આતંકવાદીઓ અને તેમના સમર્થકો પર પ્રતિબંધ મૂક્યો છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 9/11ની તિથિના એક દિવસ પહેલા જ શંકાસ્પદ આતંકવાદીઓ અને તેમને નાણાંકિય સહાય પૂરી પાડનાર લોકો અને સમર્થકોને પકડવા માટે વહીવટી તંત્રની તપાસનો વિસ્તાર વધારવા માટે એક આદેશ આપ્યો છે.