રાજદના સુપ્રીમો લાલુ યાદવના પરિવારનો ઝઘડો હાલ તુરત શમી જાય એવા સંજોગો પટણાની ફેમિલી કોર્ટે સર્જ્યા હતા.
મંગળવારે ફેમિલી કોર્ટે જણાવ્યું હતું કે લાલુના પુત્ર તેજ પ્રતાપે પોતાની પત્ની ઐશ્વર્યાને રહેવા માટે ઘર અને દર મહિને વચગાળાના ભરણપોષણ તરીકે 22 હજાર રૂપિયા આપવા. કોર્ટે એવો પણ આદેશ આપ્યો હતો કે ઐશ્વર્યાને થયેલા કાનૂની ખર્ચ પેટે તેજ પ્રતાપે રોકડા બે લાખ રૂપિયા ઐશ્વર્યાને ચૂકવવા.
ફેમિલી કોર્ટમાં હાજર રહેલા તેજ પ્રતાપે કોર્ટના આ બંને હુકમનું પાલન કરવાની કોર્ટને ખાતરી આપી હતી. છેલ્લા થોડા મહિનાથી તેજ પ્રતાપ અને ઐશ્વર્યા વચ્ચેનું મનદુખ ઊપલી સપાટી પર આવી ગયું હતું અને સડક પર લોકોને તમાશો થાય એ રીતે લાલુના પરિવારનો આંતરિક ઝઘડો જાહેર બની ગયો હતો.
ઐશ્વર્યાએ પોતાના પિયરિયા અને વકીલની સલાહ મુજબ ચાલુ વર્ષના નવેંબરની 13મીએ પટણાની ફેમિલી કોર્ટમાં ભરણપોષણનો દાવો માંડ્યો હતો. ત્યારબાદ બંને પક્ષોએ કોર્ટમાં લાંબી દલીલો કરી હતી.
તાજેતરમાં 17મી ડિસેંબરે ઐશ્વર્યાએ કોર્ટને એવી માહિતી આપી હતી કે મારા સાસુએ મને ઘરની બહાર કાઢી મૂકી છે અને મારા પતિ મને તરછોડીને એકલા રહે છે. એ સંજોગોમાં મને તત્કાળ ભરણપોષણ મળે એવો આદેશ આપવો.
કોર્ટે છૂટાછેડાના કેસનો અંતિમ ચુકાદો આવે ત્યાં સુધી વચગાળાના ભરણપોષણ રૂપે ઐશ્વર્યાને દર મહિને રૂપિયા 22 હજાર ઉપરાંત રહેવાનું ઘર અને કાનૂની ખર્ચ પેટે 2 લાખ રૂપિયા ચૂકવવાનો તેજ પ્રતાપને આદેશ આપ્યો હતો.