ગંગાના ઉદ્ગમ સ્થળ ગંગોત્રીમાં એન્ટિબાયોટિક રેસિસ્ટન્ટ બેક્ટેરિયાનું સ્તર ભયજનક સપાટી સુધી વધી ગયું છે. આ બેક્ટેરિયા પર એન્ટિબાયોટિક્સની પણ કોઈ અસર નથી જોવા મળી રહી. આ વાત પર ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીની વાર્ષિક તપાસ બાદ પ્રકાશ પડ્યો છે. આ અહેવાલ પ્રમાણે ગંગામાં પાણીનો જબરજસ્ત પ્રવાહ હોવા છતા પણ આવા બેક્ટેરિયા વધતા જઈ રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે આઈઆઈટીના બાયોકેમિકલ વિભાગ સાથે જોડાયેલા પ્રોફેસર શેખ જિયાઉદ્દીન એહમદના કહેવા પ્રમાણે નદીમાં બેક્ટેરિયાનું સ્તર ખૂબ જ વધારે છે અને તેનું કારણ માણસો છે.
અહેવાલ પ્રમાણે પાણીના નમૂનામાં 70% બેક્ટેરિયા એવા છે કે જે સામાન્ય રીતે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓમાં જોવા મળતા હોય છે, કે જેમના પર એન્ટિબાયોટિક્સ પણ કોઈ અસર નથી કરતી. આવા બેક્ટેરિયા એવી જગ્યાએ પણ જોવા મળ્યા કે જ્યાં નદીની પહોળાઈ ખૂબ જ ઓછી હતી. શોધકર્તાઓના જણાવ્યા પ્રમાણે એન્ટિબાયોટિક્સ રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા ગંગાના ઉદ્ગમ સ્થળથી ફક્ત 150 કિલોમીટરના અંતરમાંથી જ મળવાની શરૂઆત થઈ ગઈ હતી.
વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલયના 2017ના અહેવાલ અનુસાર, દુનિયાના બીજા દેશોની સરખામણીએ ભારતમાં એન્ટિ-બાયોટિક્સ રેઝિસ્ટન્ટ બેક્ટેરિયાની સંખ્યા સૌથી વધારે છે. ભારતમાં કોઈ રીતે રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા પોતાનું વર્ચસ્વ વધારતા રહ્યા છે.
અહેવાલમાં જણાવ્યા પ્રેમાણે ઠંડીના દિવસોમાં ગંગોત્રીવાળા વિસ્તારમાં જનસંખ્યા એક લાખ જેટલી થઈ જાય છે પરંતુ ગરમી અને તીર્થયાત્રાના દિવસોમાં આ સંખ્યા એક લાખથી વધીને પાંચ લાખ સુધી પહોંચી જાય છે. અહીં લગાવેલા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ફક્ત 78,000 લોકો માટે જ સક્ષમ છે. પ્રવાસીઓની આટલી મોટી સંખ્યા માટે આ પ્લાન્ટ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. અહેવાલમાં ગંગાને દુનિયાની સૌથી પ્રદૂષિત નદીઓમાંથી એક ગણાવી છે. ભારતની ત્રીજા ભાગની જનતા તરસ છીપાવવા માટે પીવાના પાણી તરીકે તેમજ સિંચાઈ અને વ્યવસાય માટે ગંગા પર આધારિત છે.