ગત અઠવાડીયે સુરતના પુણામાંથી રાજસ્થાન-બિહારના 134 બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવ્યા બાદ હવે અમદાવાદમાંથી પણ બાળમજૂરી કરતા કેટલાક બાળકોને છોડાવવામાં આવ્યા હતા.
અમદાવાદના નારોલ વિસ્તારમાં જે.કે એસ્ટેટ નામના ગોડાઉનમાં જ્યોતિ જોબવર્ક નામના સિલાઈકામના કારખાનામાં મૂળ બિહારના 9 બાળકોને બાળમજૂરીમાંથી મુકત કરાવાયા છે.આ કારખાનામાંથી મૂળ બિહારના અને અમદાવાદમાં વટવા અને નારોલમાં રહેતા 14થી 16 વર્ષના 9 બાળકો મળી આવ્યાં હતાં.
અમદાવાદમાં માનવ હકકો માટે કામ કરતી એક સંસ્થાએ આ બાળકોને છોડાવ્યા હતા.ઓઢવ વિસ્તારમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કાઉન્સિલ સંસ્થાના આગેવાન સુરેશગીરી ગોસ્વામીને નારોલના જે.કે એસ્ટેટમાં આવેલા કારખાનામાં બાળ મજૂરો કામ કરતા હોવાની વિગતો મળી હતી જેના પગલે તેમણે પોતાની સંસ્થાના કાર્યકરો સાથે તપાસ કરતા ગોડાઉન નં. 34માં આવેલા જયોતિ જોબવર્ક નામના કારખાનામાં કેટલાક બાળકો મજુરી કામ કરતા મળી આવ્યા હતા.
નારોલ પોલીસે કારખાનાના માલિક વિરૂધ્ધ બાળમજૂરી અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.