સહેલાણીઓ માટેની માનીતી જગ્યાઓ ધરાવતા હિમાચલ પ્રદેશમાં જબરદસ્ત બરફવર્ષા થઈ રહી છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો આ સૌથી હેવી સ્નોફોલ છે.
મંગળવારે મોડી રાત બાદ શરુ થયેલી બરફ વર્ષાના પગલે રાજ્યના 700 થી વધારે રસ્તાઓ બંધ થઈ ગયા છે. રસ્તાઓ પર વાહનોના પૈડા થંભી ગયા છે. ભારે બરફના પગલે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે.
સિમલામાં 20 સેન્ટીમીટર બરફ પડી ચુક્યો છે.સિમલામાં આવેલા પર્યટકો બરફવર્ષના પગલે ખુશખુશાલ જોવા મળ્યા હતા. બીજી તરફ આજે બપોર બાદ પણ હેવી સ્નો ફોલની આગાહી સિમલામાં કરવામાં આવી છે.
જ્યારે રોહતાંગ, મનાલીમાં પણ બરફ વર્ષા ચાલુ છે. સંખ્યાબંધ વિસ્તારોમાં વીજ પૂરવઠો ખોરવાઈ ચુક્યો છે. પાણીનો સપ્લાય પણ ખોરવાયો છે. મનાલીમાં 30 સેન્ટીમીટર અને ડેલહાઉસીમાં 25 સેન્ટીમીટર બરફ પડી ચુક્યો છે.