પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (બેટ)એ શુક્રવારે બે ભારતીય નાગરિકોની હત્યા કરી અને એક નાગરિકનું માથું કાપીને લઈ ગઈ. આ ઘટના અંગે તીવ્ર પ્રત્યાઘાત આપતાં આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવાણેએ કહ્યું કે પ્રોફેશનલ આર્મી ક્યારેય બર્બર કૃત્યોનો આધાર નથી લેતી અને આવી ઘટનાઓનો સૈન્ય દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવશે. જનરલ નરવાણેએ દાવો કર્યો હતો કે પાકિસ્તાની સૈન્યના બેટ જૂથ દ્વારા સૌપ્રથમ વખત કોઈ ભારતીય નાગરિકનું માથું કાપીને લઈ ગઈ છે. ભૂતકાળમાં પાકિસ્તાની સૈન્યે ભારતીય સૈનિકોના માથાં કાપ્યાં હોવાની ઘટના બની હતી.
પાકિસ્તાની સૈન્યના બેટ જૂથે શુક્રવારે પુંચ જિલ્લામાં અંકુશ રેખા પર બે ભારતીય નાગરિકોની હત્યા કરી હતી અને તેમાંથી એકનું માથું તે લઈ ગઈ હતી તેમ જમ્મુમાં એક અધિકારીએ જણાવ્યું હતું. પાકિસ્તાની સૈન્યના બેટ જૂથમાં તેના સૈન્યના અિધકારીઓ અને આતંકીઓનો સમાવેશ થાય છે. એક વરિષ્ઠ પોલીસ અિધકારીએ જણાવ્યું હતું કે મોહમ્મદ અસલમ (28)નો દેહ ક્ષત-વિક્ષત હાલતમાં મળી આવ્યો છે અને તેનું માથું ગુમ થઈ ગયું છે. સંરક્ષણ પ્રવક્તાએ અગાઉ કહ્યું હતું કે અસલમ અને અલ્તાફ હુસૈન (23) બંને ગુલપુર સેક્ટરના નિવાસી છે.
પૂંચ જિલ્લામાં અંકુશ રેખા પર પાકિસ્તાન સૈન્યના મોર્ટાર હુમલામાં બે પોર્ટરના મોત નીપજ્યાં હતાં અને અન્ય ત્રણને ઈજા પહોંચી હતી. જોકે, અિધકારીઓએ શનિવારે કહ્યું કે એક પોર્ટરનું માથું ગુમ છે અને બેટ ટીમ તેની સાથે અસલમનું માથું લઈ ગઈ હોવાનું મનાય છે. આ ઘટના અંગે જનરલ નરવાણેએ કહ્યું કે અમે સૈન્ય પદ્ધતિથી પાકિસ્તાનને આનો જડબાતોડ જવાબ આપીશું.