પાકિસ્તાનમાં ભારે હિમવર્ષા અને મૂશળધાર વરસાદના કારણે હિમસ્ખલન અને ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ છે જેમાં મહિલાઓ અને બાળકો સહિત ૧૦૦થી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે. પાકિસ્તાનમાં અસહ્ય ઠંડી અને ખરાબ હવામાનના કારણે દેશભરના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તથા વાહનવ્યવહાર અને સંચાર સેવાઓ પણ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે.

પાકિસ્તાની અધિકારીઓએ જણાવ્યું કે, અનેક વિસ્તારોમાં શીતલહેરના કારણે જનજીવન ઠપ્પ થઈ ગયું છે અને દેશભરમાં આશરે ૧૦૦ જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. એક અહેવાલ પ્રમાણે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર ખાતે આવેલી નીલમ ઘાટીમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલા હિમસ્ખલનના કારણે ૧૫ જેટલા ગામો પ્રભાવિત થયા છે. નીલમ ઘાટીમાં હિમસ્ખલનની ઘટનાના કારણે ૮૪ જેટલા ઘરો અને ૧૭ દુકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે તથા ૯૪ ઘર અને એક મસ્જિદને આંશિક ક્ષતિ પહોંચી છે.

તે સિવાયઓછામાં ઓછા ૫૭ લોકોના મૃત્યુ સાથે અનેક લોકો ગાયબ છે. હોનારતના કારણે રસ્તાઓ રોકાઈ ગયા હોવાથી અધિકારીઓને પીડિતો સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડી રહી છે અને બચાવ દળોએ અત્યાર સુધીમાં આશરે ૪૨ ઘાયલોને વિવિધ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. બલૂચિસ્તાન સરકારના લિયાકત શાહવાનીએ વરસાદ અને હિમપ્રપાતના કારણે ૨૦ લોકો મૃત્યુ પામ્યા હોવાની માહિતી આપી હતી.