સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો હવે થોડોક કડક બની રહ્યો છે. કેન્દ્ર સરકાર દેશમાં સોશિયલ મીડિયા જેવા કે ફેસબૂક,ટ્વીટર, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ટિક્ટોક જેવા એકાઉન્ટ માટે નિયમો કડક બનાવવા માટે જઈ રહી છે. સરકારે નિર્ણય કર્યો છે કે હવે પુરાવા વગર કોઈપણ એકાઉન્ટ શરુ થશે નહિ. આ માટે કાયદો બનાવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.
શા માટે જરૂરી છે વેરિફિકેશન?
આઇટી મંત્રલાયના સૂત્રોનું કહેવું છે કે સોશિયલ મીડિયામાં અત્યારના દિવસોમાં ફેક ન્યુઝ, અફવા, બિન જરૂરી સમાચાર અને મહિલાઓ પર અભદ્ર કોમેન્ટ વધી ગઈ છે. અસામાજિક તત્વો એકાઉન્ટ બનાવીને સોશિયલ મીડિયાનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. એવા લોકોને કાબુમાં લાવવા માટે નવો કાયદો લાવવાની પ્રક્રિયા તેજગતિએ હાથ ધરવામાં આવી છે. કેબિનેટની મંજૂરી બાદ સંસદમાં કાયદો પસાર કરવામાં આવશે.
કેવી રીતે થશે વેરિફિકેશન?
કાયદો તૈયાર કરવા માટે અધિકારીનું કહેવું છે કે કોઈપણ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખોલતા પહેલા યુઝર્સે પોતાની જાણકારી આપવી પડશે. યુઝર્સે પોતાના ઇમેઇલ એડ્રેસ સિવાય ફોન નંબર પણ વેરીફાઈ કરાવવો પડશે. સાથે જ ઈન્ટરનેટ કંપનીઓને કહેવામાં આવી રહ્યું છે કે યુઝર્સના લોકેશન પણ વેરીફાઈ કરવામાં આવે. આ કાયદો ઘડવાથી ફેક એકાઉન્ટ બનાવનારા લોકોમાં ઘટાડો થશે અને અફવા ફેલાવનારા લોકોની ધરપકડ કરવી સરળ બનશે.