જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધીના હસ્તે સુરતમાં અનાથ બાળકોને મિશન વાત્સલ્ય દ્વારા સુરક્ષિત દત્તક આપવામાં આવ્યા
સુરત જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધીના હસ્તે કતારગામ સ્થિત વિશિષ્ટ દત્તક સંસ્થામાં આશ્રય લઈ રહેલા બે અનાથ બાળકોને મુંબઈના બે અલગ-અલગ દંપતીઓને સોંપવામાં આવ્યા છે. ‘એડોપ્શન રેગ્યુલેશન-૨૦૨૨’ ના કડક નિયમોનું પાલન કરીને આ બાળકોને ‘પ્રી-એડોપ્શન ફોસ્ટર કેર ઓર્ડર’ હેઠળ નવા માતા-પિતાનો પ્રેમ અને છત્રછાયા મળી છે. નવા વર્ષના પ્રારંભે એક પરિવારમાં લક્ષ્મી (દીકરી) અને બીજા પરિવારમાં કુળ દીપક (દીકરો) નું આગમન થતા દંપતીઓમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો.
બાળક દત્તક લેવાની કાયદેસરની પ્રક્રિયા
બાળક દત્તક લેવું એ સંવેદનશીલ અને કાનૂની પ્રક્રિયા છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા નીચે મુજબની સત્તાવાર પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે:
-
શોધખોળ: અનાથ બાળક મળી આવે ત્યારે સૌપ્રથમ અખબારોમાં પ્રસિદ્ધિ આપી તેના વાલી-વારસની શોધખોળ કરાય છે.
-
નિશ્ચિત સમયમર્યાદા: જો ૦ થી ૨ વર્ષનું બાળક હોય તો ૬૦ દિવસ અને ૨ વર્ષથી મોટા બાળક માટે ૧૨૦ દિવસ સુધી કોઈ દાવો ન કરે તો તેને ‘કાયદેસર રીતે મુક્ત’ જાહેર કરાય છે.
-
પોર્ટલ રજીસ્ટ્રેશન: બાળક દત્તક લેવા ઈચ્છુક દંપતીએ કેન્દ્ર સરકારની CARA (Central Adoption Resource Authority) ની સત્તાવાર વેબસાઈટ ‘મિશન વાત્સલ્ય’ પર જ નોંધણી કરાવવી અનિવાર્ય છે.
ખાસ નોંધ અને સાવચેતી
તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ‘મિશન વાત્સલ્ય’ પોર્ટલ સિવાય અન્ય કોઈપણ રીતે બાળકને દત્તક લેવું એ બિનકાયદેસર છે અને તે બદલ કડક સજાની જોગવાઈ છે. ૦ થી ૬ વર્ષના બાળકોને વિશિષ્ટ દત્તક સંસ્થામાં, જ્યારે ૬ થી ૧૮ વર્ષના બાળકોને કતારગામ (છોકરાઓ) અને રાંદેર (છોકરીઓ) સ્થિત ચિલ્ડ્રન હોમમાં આશ્રય આપી તેમનું જતન કરવામાં આવે છે.
