કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યું છે કે, કોઈપણ રાજ્ય નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ)ને લાગૂ કરવાથી ઈન્કાર કરી શકે નહીં. સિબ્બલે કહ્યું, “જો સીએએ પાસ થઇ ચૂક્યું છે તો કોઈ પણ રાજ્ય તેવું ના કહી શકે કે- ‘હું આને લાગૂ કરીશ નહીં.’ આ સંભવ નથી અને ગેરબંધારણીય છે. તમે આનો વિરોધ કરી શકો છો, તમે વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કરી શકો છો અને કેન્દ્ર સરકારને આને પરત લેવાનું કહી શકો છો.”
પૂર્વ કાયદા મંત્રી સિબ્બલે કેરલ લિટરેચર ફેસ્ટિવલના ત્રીજા દિવસે કહ્યું, “બંધારણીય રીતે તેવું કહેવું કે, હું આને લાગૂં કરીશ નહીં, આનાથી વધારે મુશ્કેલીઓ ઉભી થશે.”
જણાવી દઇએ કે, કેરલ, પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પ્રશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોની સરકારોએ CAAના વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો છે. કેરલ અને પંજાબની વિધાનસભાઓમાં CAAના વિરૂદ્ધ પ્રસ્તાવ પાસ કર્યો છે. તે ઉપરાંત કેરલ સરકારે આ અઠવાડિયાની શરૂઆતમાં સીએએના વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટનો રસ્તો લીધો હતો.