ભારતીય ફૂડ ડિલીવરી કંપની ઝોમેટોએ અમેરિકન ટેક્સી એગ્રીગેટર સેવા આપતી કંપની ઉબેરના ફૂ઼ડ ડીલિવરી બિઝનેસનો ભારત સ્થિત ઉબેર ઈટ્સનો કારોબાર પોતાના હસ્તગત કર્યો છે. સ્ટોક ડીલ અંતર્ગત ઉબેરને ઝોમેટોના 9.99 ટકા શેર મળશે. ઝોમેટોની વેલ્યુએશનની દ્રષ્ટિએ ગણતરી કરવામાં આવે તો તેના સ્ટોક ડીલનું મૂલ્ય લગભગ રૂપિયા 2,500 કરોડ થાય છે. ઉબેર તેની એપ પર રેસ્ટોરન્ટ પાર્ટનર, ડિલીવરી પાર્ટનર અને ગ્રાહકોને ઝોમેટોના પ્લેટફોર્મ પર શિફ્ટ કરી દેશે. કંપનીએ મંગળવારે આ અંગે જાણકારી આપી હતી. ઉબેરે ખોટને લીધે ફૂડ ડિલીવરી કારોબારનું વેચાણ કરવાનો નિર્ણય કર્યો છે. ઉબેર ભારતમાં ફક્ત ટેક્સી એગ્રીગેટર સેવા પુરી પાડવાનું ચાલુ રાખશે.
આ સોદો મંગળવારથી જ લાગુ થશે તેમ એક નિવેદનમાં જણાવાયું છે. ઝોમેટોના શેરધારકે બોમ્બે સ્ટોક એક્સચેન્જને આપેલી એક માહિતી મુજબ આ સોદા બાદ તેનો કંપનીમાં હિસ્સો ઘટીને 22.71 ટકા રહેશે. આ સોદા અંગે ઝોમેટોના સીઈઓ દીપિન્દર ગોયલે જણાવ્યું કે, ‘ભારતના 500થી વધુ શહેરોમાં ટોચના ફૂડ ડીલિવરી વ્યવસાયિક તરીકે મોખરાના સ્થાને પ્રસ્થાપિત થવાનો અમને ગર્વ થાય છે. આ સોદાને કારણે અમારી સ્થિતિ વધુ મજબૂત બનશે.’
ઉબર ઈટ્સ ભારતમાં 2017માં હાથ અજમાવવાનું શરુ કર્યું હતું. અને હાલમાં તેના 41 શહેરોમાં 26 હજાર જેટલી રેસ્ટોરન્ટ્સ લિસ્ટેડ છે. ઝોમેટો 24 દેશોમાં આશરે 15 લાખ રેસ્ટોરન્ટ્સની માહિતી ધરાવે છે અને તે પ્રતિ માસ સાત કરોડ ગ્રાહકોને સેવા પુરી પાડે છે.
ફૂડ ડીલિવરી એપ બિઝનેસમાં ઝોમેટો અને સ્વિગી સાથે કટ્ટર હરિફાઈને પગલે ઉબર ઈટ્સ ખોટ કરી રહી હતી જેને પગલે મહિનાઓની વાતચીતના અંતે આ સોદો પાર પાડવામાં આવ્યો છે. ડિસેમ્બર 2019 સુધીના પાંચ માસમાં ઉબરે અંદાજે રૂ. 2,197 કરોડની ખોટ કરી હતી.