સુપ્રીમ કોર્ટમાં, નાગરિકતા સુધારો કાયદાની વિરુદ્ધ અને સમર્થનમાં 144 અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેની આજે કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ સંજીવ ખન્નાની ખંડપીઠ આ અરજીઓ પર સુનાવણી કરી રહી છે. આ અરજીઓ પર સુનાવણી દરમિયાન કોર્ટરૂમમાં એક વિશાળ જનમેદની એકઠી થઈ ગઈ છે.
કોર્ટે કહ્યું કે તમામ અરજીઓની સુનાવણી કરવામાં આવશે અને તે પછી જ કોર્ટ નિર્ણય આપશે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે મને નથી લાગતું કે કોઈ પણ પ્રક્રિયા પાછી ખેંચી શકાય છે. તેમણે કહ્યું કે અમે આવો હુકમ લાગૂ કરી શકીએ છીએ, જે હાલની પરિસ્થિતિ સાથે સુસંગત છે. સીજેઆઈએ વકીલોને આસામ અને ઉત્તર પૂર્વથી દાખલ અરજીઓનો ડેટા માંગ્યો હતો. કોર્ટે કહ્યું કે એનઆરસીની પ્રક્રિયા જોતાં આસામ અને ત્રિપુરાનાં મુદ્દાને અલગ કરી શકાય છે.
સીજેઆઈએ કેન્દ્રને પૂછ્યું- તમે આસામ સંબંધિત પિટિશન ક્યારે ફાઇલ કરશો? એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કોર્ટને જણાવ્યું હતું કે તેઓ આ અરજી બે અઠવાડિયામાં દાખલ કરશે. સીજેઆઈએ કહ્યું, “ઠીક છે, અમે તેને બે અઠવાડિયા પછી સાંભળી શકીએ છીએ.” સુપ્રીમ કોર્ટે કહ્યું કે હજુ અરજીઓ દાખલ કરવામાં આવી રહી છે, તેને રોકી શકાય નહી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 4 સપ્તાહમાં સમગ્ર મામલા પર જવાબ ફાઇલ કરવાનો સમય આપ્યો હતો. આ મામલાની સુનાવણી પાંચમાં અઠવાડિયામાં સુપ્રીમ કોર્ટમાં થશે. સરકારે 6 અઠવાડિયા માંગ્યા હતા જેનો અરજદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
આ અરજીઓ પર સુનાવણી દરમિયાન એટર્ની જનરલે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં તેમને 144 અરજીઓમાંથી 60 ની નકલ મળી છે. આ અંગે કપિલ સિબ્બલે કહ્યું કે હવે મુદ્દો એ છે કે તેને બંધારણીય બેંચને મોકલવો જોઇએ કે નહીં. સિબ્બલે એનપીઆર પ્રક્રિયા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. આ સાથે જ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે યુપીમાં 40 હજાર લોકોને નાગરિકત્વ આપવાની વાત ચાલી રહી છે, જો આવું થાય તો કાયદો પાછો કેવી રીતે લેવાશે. તેમણે આ પ્રક્રિયા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી. કોર્ટે કહ્યું કે, મોટાભાગની અરજીઓમાં એક જ બાબત છે. જો કે કોર્ટે કહ્યું કે, તમામ અરજીઓ પર સુનાવણી કરવામાં આવશે અને તે પછી જ કોર્ટ ચુકાદો સંભળાવશે. સીજેઆઈએ કહ્યું કે, અમે સરકારને કેટલીક હંગામી પરમિટ આપવા માટે કહી શકીએ છીએ.
કોર્ટે કહ્યું કે આ અરજીઓની સુનાવણી વિવિધ કેટેગરીમાં કરવામાં આવશે. તેમજ દરેક કેસ માટે એક જ વકીલને તક મળશે. કોર્ટે કહ્યું કે નાગરિકત્વ સુધારો કાયદા પર વચગાળાનાં સ્ટે લાગુ થશે નહીં. કોર્ટે કહ્યું કે સ્ટે સાથે સંબંધિત મામલાની સુનાવણી આગામી સુનાવણી અથવા આગામી બેંચ દ્વારા કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચેમ્બર બેંચ આ મામલામાં કાર્યવાહીનાં મુદ્દા પર સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, તે બંધારણ ખંડનાં ગઠન પર વિચાર કરી શકે છે.