દેશની બેન્કિંગ સેવાઓને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે ભારતીય રિઝર્વ બેન્કે વર્ષ 2015માં પેમેન્ટ બેન્કની શરૂઆત કરી હતી. આ બેન્કના લાયસન્સ માટે દેશની 41 કંપનીઓએ આરબીઆઇને અરજી કરી હતી પરંતુ તેમાંથી ફક્ત 11ને જ લાયસન્સ આપવામાં આવ્યું હતું.
આ જ પેમેન્ટ બેન્કોમાંથી એક વોડાફોન m-pesaનું કામકાજ બંધ થઇ ગયું છે. તેવામાં હવે વોડાફોન m-pesaના ગ્રાહકોએ એક નિશ્વિત સમયગાળા સુધીમાં પોતાની પેમેન્ટ બેન્કમાંથી રૂપિયા ઉપાડી લેવા પડશે.
આ કારણે બંધ થઇ જશે વોડાફોન m-pesa
હકીકતમાં વોડાફોને સ્વેચ્છાએ પેમેન્ટ બેન્ક m-pesaને લિક્વિડેટ એટલે કે બંધ કરવાની અરજી કરી હતી. તે બાદ હવે રિઝર્વ બેન્કે વોડાફોન m-pesaના COAને રદ્દ કરી દીધું છે. આરબીઆઇના આ નિર્ણય બાદ કંપની પ્રીપેડ પેમેન્ટ સાથે સંબંધિત કામ નહી કરી શકે. તેઓ અર્થ એ છે કે પેમેન્ટ બેન્કનું કામકાજ બંધ થઇ જશે.
જો કે ગ્રાહકો કે વેપારીઓના પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર રૂપે કંપની ઉપર કોઇ કાયદેસરનો દાવો હોય તો તે સીઓએ રદ્દ થયાના 3 વર્ષની અંદર એટલે કે 30 સપ્ટેમ્બર 2022 સુધી દાવો કરી શકે છે. સ્પષ્ટ છે કે ગ્રાહકોએ આ ડેડલાઇન સુધીમાં પોતાના દરેક પ્રકારના દાવાઓની પતાવટ કરવી પડશે.
જણાવી દઇએ કે ગત વર્ષે આદિત્ય બિરલા આઇડિયા પેમેન્ટ લિમિટેડ (ABIPBL)એ પણ આરબીઆઇને લિક્વિડેટ કરવાની અરજી કરી હતી.
શું છે પેમેન્ટ બેન્ક
હકીકતમાં પેમેન્ટ બેન્કોને લૉન્ચ કરવાનો હેતુ સ્મોલ સેવિંગ એકાઉન્ટ હોલ્ડર્સ, લૉ ઇનકમ હાઉસહોલ્ડ, અસંગઠિત ક્ષેત્ર, પ્રવાસી મજૂરો અને નાના બિઝનેસમેનને બેન્કિંગ સેવાઓ સાથે જોડવાનો છે. તેના માટે આરબીઆઇએ નૉન બેન્કિંગ ફાઇનાન્શિયલ કૉર્પોરેશન, મોબાઇલ ફોન સેવા આપતી કંપનીઓ અથવા સુપર માર્કેટ ચેન વગેરેને પેમેન્ટ બેન્ક શરૂ કરવાની છૂટ આપી છે.
આ બેન્કોને મોટી રકમ જમા તરીકે સ્વીકારવાની પરવાનગી નથી. આ ઉપરાંત આ બેન્ક લોન ન આપી શકે. જો કે એટીએમ/ડેબિટ કાર્ડ જરૂર આપી સકે છે પરંતુ ક્રેડિટ કાર્ડ ન આપી શકે.