મોદી સરકારે જમ્મુ અને કાશ્મીર માટે 80 હજાર કરોડના પેકેજની જાહેરાત કરી છે. સરકારે બુધવારે કાશ્મીરમાં વિકાસ સબંધિત કાર્ય માટે પેકેજને મંજૂરી આપી દીધી છે. જેની જાણકારી માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આપી હતી.
કેન્દ્ર સરકારના કેટલાક મંત્રી જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. ત્યાની વિકાસ પરિયોજનાઓની જાણકારી લેવા માટે કેન્દ્રીય મંત્રી જમ્મુ કાશ્મીરનો સતત પ્રવાસ કરી રહ્યા છે. અત્યારે પીયૂષ ગોયલ અને સ્મૃતિ ઇરાની સહિત કેટલાક મંત્રીઓએ પ્રવાસ કર્યો હતો અને વિકાસ વિશે જાણકારી મેળવી હતી. દિલ્હીમાં બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ બેઠકમાં આ મંત્રીઓ પાસેથી કાશ્મીર વિશે ફિટબેક મેળવ્યો હતો.
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડી પણ જમ્મુ કાશ્મીરના ત્રણ દિવસીય પ્રવાસે પહોચ્યા છે, જ્યા તે કેટલાક વિકાસ પરિયોજનાઓની શરૂઆત કરશે. પદભાર ગ્રહણ કર્યા બાદ રેડ્ડી બુધવાર સવારે પ્રથમ વખત કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રવાસ માટે શ્રીનગર રવાના થયા હતા. આ દરમિયાન રેડ્ડી શ્રીનગર અને કાશ્મીર ઘાટીના ગ્રામીણ વિસ્તારનો પ્રવાસ કરશે. આ દરમિયાન તે ક્ષેત્રમાં અલગ-અલગ વિકાસ કાર્યોની સમીક્ષા કરશે અને કેન્દ્ર સરકાર તરફથી ચલાવવામાં આવતી યોજનાઓની સમીક્ષા કરશે.