નિર્ભયા કેસના ચાર દોષિઓમાંથી એક મુકેશ સિંહની દયા અરજી રદ કરવાના વિરોધમાં દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટને ઝડપથી સુનાવણી કરવાની માગણી કરવામાં આવી છે. જેના પર સુપ્રીમ કોર્ટે સોમવારે મુકેશના વકીલને આના માટે વહેલી તકે રિજસ્ટ્રી સાથે સંપર્ક કરવા જણાવ્યું છે. સાથે સાથે જણાવ્યું છે કે, કોઇને 1 ફેબ્રુઆરીએ ફાંસી આપવાની છે તો આ કેસ ટોપ પ્રાયોરિટીમાં હોવો જોઇએ.
મુકેશે શનિવારે દયા અરજી રદ કરવાની ન્યાયાયિક સમીક્ષા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. દોષિ મુકેશની વકીલ વૃંદા ગ્રોવરે જણાવ્યું હતું કે, શત્રુધ્ન ચૌહાણ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે અમે આર્ટિકલ 32 હેઠળ કોર્ટમાં દયા અરજીના કેસમાં ન્યાયિક સમીક્ષાની માગણી કરી છે. અગાઉ કોર્ટે મુકેશની ક્યૂરેટિવ પિટીશન ફગાવી દીધી હતી. દોષિતોને 1 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યે ફાંસી આપવા માટે ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નિર્ભયા કેસના દોષિ મુકેશ સિંહની દયા અરજી 17 જાન્યુઆરીએ રદ કરી દીધી હતી. ચાર દોષિતોમાંથી અક્ષય ઠાકુર, પવન ગુપ્તા અને વિનય શર્માની પાસે દયા અરજીનો વિકલ્પ છે. મુકેશની પાસે હવે કોઇ કાયદાકીય વિકલ્પ નથી. જણાવવામાં આવી રહ્યું છે કે, ત્રણમાંથી કોઇ 31 જાન્યુઆરી સુધી દયા અરજી દાખલ કરી શકે છે.