રાંચી: ઝારખંડની રાજધાની રાંચીમાં એક શખ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. આ વ્યક્તિએ વડાપ્રધાન મોદી અને અમિત શાહ પર પોતાનું વચન ના પાળવા મામલે ફરિયાદ દાખલ કરાવી છે. પોતાની ફરિયાદમાં શખ્સે જણાવ્યું છે કે, PM મોદીએ 2014ની લોકસભા ચૂંટણી દરમિયા લોકોના ખાતામાં રુપિયા 15 લાખ જમા કરાવવાનો વાયદો કર્યો હતો, જે હજુ સુધી પુરો નથી થયો. જેનાથી નારાજ થઈને ઝારખંડ હાઈકોર્ટના એક વકીલે વડાપ્રધાન મોદી અને અમિત શાહ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ઝારખંડ હાઈકોર્ટના એક વકીલ એચ કે સિંહે વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત અન્ય લોકો વિરૂદ્ધ ગત ડિસેમ્બરમાં ફરિયાદ દાખલ કરાવી હતી. શનિવારે રાંચીમાં જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદકર્તાએ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. હવે આ મામલે 2 માર્ચ 2020 આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે. એચ કે સિંહે IPCની કલમ 415, 420 અને 123 (B) અંતર્ગત ફરિયાદ દાખલ કરાવી છે.આ અંગે વકીલ હરેન્દ્રકુમારે આરોપ લગાવ્યો કે, 2014ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, તેઓ વિદેશોમાં જમા કાળુ નાળુ ભારત લાવશે. જેના થકી દરેક ભારતીયોના ખાતામાં 15-15 લાખ રુપિયા જમા કરવામાં આવશે. આ સાથે જ વડાપ્રધાન મોદીએ દર વર્ષે 3 લાખ સરકારી નોકરી આપવાનો વાયદો કર્યો હતો. આ તમામ મુદ્દાઓ ભાજપના ચૂંટણી મેનિફેસ્ટોમાં સામેલ હતા.
ફરિયાદીનો આરોપ છે કે, તે સમયે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આ વાયદો 7 નવેમ્બર, 2013ના છત્તીસગઢમાં કર્યો હતો. જો કે વડાપ્રધાન બન્યા બાદ તેમણે પોતાનું વચન પાળ્યું નહતું. અમિત શાહે એક મીડિયા ચેનલને 5 ફેબ્રુઆરી, 2015ના રોજ બ્લેક મની આવવાથી ભારતીયોને 15-15 લાખ રૂપિયા મળવાની વાતને ચૂંટણીલક્ષી જુમલો ગણાવ્યો હતો.